ગાંધીવાદી નેતા અણ્ણા હજારે રવિવારથી અનિશ્ચિતકાલીન મૌનવ્રત રાખવાના છે, આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણની સાથે વાતચીત નહીં કરે. અણ્ણા તેમના પૈત્તૃક ગામ રાલેગણ સિદ્ધિના પદ્માવતી મંદિરમાં રહેશે.
-અણ્ણાએ કરી અનિશ્ચિતકાલીન મૌનવ્રતની જાહેરાત
-કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહે ચાલુ રાખ્યો આરોપોનો ક્રમ
-યુપી જવા પડકાર
બીજી બાજુ કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે અણ્ણા સામે શાબ્દિક પ્રહારો ચાલુ રાખ્યા છે. તેમણે કહ્યું હતું કે, હાલ જો કોઈ રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર વ્યાપ્ત હોય અને તેનો સૌથી વધુ વિરોધ કરવાનો જરૂર છે, તો તે ઉત્તરપ્રદેશ છે. દિગ્વિજય સિંહે ઉમેર્યું હતું કે, અણ્ણા શા માટે ઉત્તરપ્રદેશમાં વિરોધ પ્રદર્શન નથી કરતા, તે આશ્ચર્યની બાબત છે. જો અણ્ણા ઉત્તરપ્રદેશમાં વિરોધ પ્રદર્શન કરશે તો હું તેમનો સાથ આપશે. દિગ્વિજય સિંહે આરોપ મુક્યો હતો કે, અણ્ણાની નજીકના લોકો તેમનું રાજકીય શોષણ કરી રહ્યાં છે.
ટીમ અણ્ણાના સભ્ય અરવિંદ કેજરીવાલે દિગ્વિજય સિંહ દ્વારા અણ્ણા હજારેને લખવામાં આવેલા ત્રણ પત્રો પર પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં કેજરીવાલે અણ્ણા હજારેની ટીમના અન્ય એક સભ્ય જસ્ટિસ સંતોષ હેગડેની ટિપ્પણી પર પણ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો. કોઈ એક પક્ષની સામે વલણ અપનાવવાના ટીમ અણ્ણાના નિર્ણયનો જસ્ટિસ હેગડેએ વિરોધ કર્યો હતો. અણ્ણા સંસદથી ઉપર છે, તેવા કેજરીવાલના નિવેદનને પણ જસ્ટિસ હેગડેએ વખોડી કાઢ્યું હતું.
અણ્ણા હજારે 15 ઓક્ટોબરથી ઉત્તરપ્રદેશનો પ્રવાસ ખેડવાના હતા. હવે તેમના સ્થાન પર અરવિંદ કેજરીવાલ અને ટીમ અણ્ણાના અન્ય સભ્યો જશે. અણ્ણાના કહેવા પ્રમાણે, તેઓ સમયાંતરે મૌન વ્રત ધારણ કરતા હોય છે. હાલ, તેઓ આરોગ્યના કારણે મૌન વ્રત રાખી રહ્યાં છે.
અણ્ણા શનિવારે સવારે સ્કૂલના બાળકોને મળવા પહોંચ્યા ત્યારે તેમણે માહિતી આપી હતી કે, તેઓ રવિવારથી મૌનવ્રત ધારણ કરવાના છે. બાળકો સાથે વાતચીત કરતા અણ્ણાએ કહ્યું હતું કે, સરકારને મારા મૌનવ્રતની ભાષા સારી રીતે સમજાઈ છે. આ નિવેદનને સીધી રીતે સરકાર માટે પડકારજનક માનવામાં આવે છે. પરંતુ જ્યારે પત્રકારોએ આ અંગે સવાલ પુછ્યો, ત્યારે અણ્ણાએ કહ્યું હતું કે, તેઓ આરોગ્ય સારું રહે તે માટે મૌનવ્રત રાખી રહ્યાં છે. અણ્ણા હજારે પર શિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરે અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે શાબ્દિક પ્રહારો તેજ કરી દીધા છે. ત્યારે અણ્ણાનું મૌનએ તેમની ટીમમાં પ્રવર્તમાન અસમંજસની સ્થિતિ તરફ ઈશારો કરે છે.
તબિયતમાં સુધારો થતા ફરી દેશભરમાં ભ્રમણ કરશે અણ્ણા
સામાજિક કાર્યકર અણ્ણા હજારેએ મૌનવ્રત શરૂ કરતા પહેલા પૈત્તૃક ગામ રાલેગણ સિદ્ધિમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.જેમાં મૌન વ્રત શરૂ કરતા પહેલા તેમણે કેટલાક વિષય પર પોતાના વિચારો સ્પષ્ટ કર્યાં હતા. હજારેએ કહ્યું હતું કે, " આ અનશન તેઓ પોતાના આરોગ્ય માટે કરી રહ્યાં છે. જ્યારથી અનશનને સફળતા મળી છે, ત્યારથી મોટી સંખ્યામાં લોકો રાલેગણ સિદ્ધિ આવી રહ્યાં છે. હું સતત ખૂબ બોલી રહ્યો છું. અનશન બાદથી મારું આરોગ્ય હજૂ દુરસ્ત થયું નથી આથી અનશ કરી રહ્યો છું."
અણ્ણાએ સ્પષ્ટતા કરી હતી કે, શરીર પર સકારાત્મક અસર ઊભી થાય તે માટે અનશન કરી રહ્યાં છે. તેમણે સરકાર સામે અથવા અન્ય કોઈ ચોક્કસ મુદ્દા પર અનશન કરી રહ્યાં હોવાની વાતનો તેમણે ઈન્કાર કર્યો હતો. જો કે, આશ્ચર્યજનક રીતે તેમણે વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘના વિચારનું સમર્થન કર્યું હતું. જેમાં ડૉ. સિંઘે કહ્યું હતું કે, "આરટીઆઈના કાયદાની સમીક્ષા કરવાની જરૂર છે."
અણ્ણા હજારે પાસેથી કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાની સામે વોરન્ટ અંગે પ્રતિક્રિયા માંગવામાં આવી હતી ત્યારે અણ્ણાએ કશું કહેવાનું ટાળ્યું હતું અને ઉમેર્યું હતું કે, તેઓ આ અંગે કશું કહી શકે નહીં. કારણ કે, તાજેતરના ઘટનાક્રમ અંગે કોઈ માહિતી નથી.
અણ્ણા હજારેએ કહ્યું હતું કે, "કેટલાક લોકો આરટીઆઈના કાયદાનો દુરૂપયોગ કરે છે અને તેના આધાર પર બ્લેકમેલિંગ શરૂ કરી દે છે. જે અયોગ્ય છે. વળી હજારો પન્નાની સંખ્યામાં માહિતી માંગવામાં આવે છે જે યોગ્ય નથી. માહિતી આપનારી વ્યક્તિ અને મેળવનારી વ્યક્તિએ જોવું રહ્યું કે, માહિતીનો ઉપયોગ દેશના હિત માટે થાય."
અણ્ણા હજારેએ કહ્યું હતું કે, "આ મૌનવ્રત અનિશ્ચિતકાલીન રહેશે. પરંતુ જ્યારે લાગશે કે તબિયત બરાબર થઈ ગઈ છે એટલે મૌન વ્રત ખોલીશ" અણ્ણા દેશભરનું ભ્રમણ શરૂ કરવાના હતા. પરંતુ મૌનવ્રતના કારણે ભ્રમણ અટકાવી દીધું છે. જેના પર પ્રતિક્રિયા આપતા અણ્ણાએ કહ્યું હતું કે, મૌનવ્રત બાદ તબિયત સારી થઈ જશે અને શરીર સાથ આપશે એટલે તેઓ વધુ એક વખત દેશના ભ્રમણ પર નીકળશે. જો કે, મૌન વ્રત દરમિયાન સમાજ અને દેશના હિતમાં જરૂર જણાય તો કોઈ ચોક્કસ મુદ્દા પર કાગળ પર વિચાર લખીને મત વ્યક્ત કરશે તેમ પણ અણ્ણાએ ઉમેર્યું હતું.
અનેક વખત મૌનવ્રત રાખી ચૂક્યાં છે
અણ્ણા હજારેના અંગત સચિવ સુરેશ પઠારેએ માહિતી આપી હતી કે, અણ્ણા હજારે મૌન વ્રત દરમિયાન ગામમાં રહેશે અને ક્યાંય નહીં જાય. તેઓ આરોગ્યના કારણ સબબ આ વ્રત કરી રહ્યાં છે. જો જરૂર પડશે તો અણ્ણા કાગળ પર કશું લખીને તેમની ભાવનાઓ વ્યક્ત કરશે. અણ્ણાના અંગત સચિવના કહેવા પ્રમાણે, તેમણે જીવનકાળ દરમિયાન લગભગ બાર વખત મૌન વ્રત રાખ્યું છે. મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ યુતિ સરકાર દ્વારા જ્યારે અણ્ણાને જેલમાં ધકેલવામાં આવ્યા હતા ત્યારે પ્રથમ વખત અણ્ણાએ મૌનવ્રત રાખ્યું હતું. જ્યારે પણ અણ્ણાને ગહન ચિંતન કરવું હોય ત્યારે તેઓ મૌનવ્રત ધારણ કરી લે છે. અણ્ણા આ દિવસોમાં બોલતા નથી , બાકીના તમામ કામો યથાવત રીતે કરે છે.
અનિશ્ચિતકાલીન રહેશે અણ્ણાનું મૌનવ્રત
અણ્ણા હજારેએ જાહેરાત કરી છે કે, તેઓ અનિશ્ચિતકાળ માટે મૌનવ્રત ધારણ કરી રહ્યાં છે. જ્યારે અણ્ણાને મૌનવ્રત ખોલવાની જરૂર લાગશે ત્યાર તેઓ મૌન વ્રત સમાપ્ત કરી દેશે.
તમારો મત
શું તમને લાગે છે કે, અણ્ણા હજારે આજે દેશના સેલિબ્રિટી કે નેતા બની ગયા છે, આથી તેમની દરેક વાતની ચર્ચા થાય છે અને તેમના દરેક નિવેદનની નોંધ લેવાય છે? દિગ્વિજય સિંહ કોંગ્રેસ પાર્ટીના "બિનસત્તાવાર"રીતે પ્રવક્તા છે. જે નિવેદન કોંગ્રેસના સત્તાવાર પ્રવક્તા નથી કરી શકતા તે નિવેદન દિગ્વિજય સિંહ કરી શકે તે માટે તેમના પર કોઈ નિયંત્રણ લાદવામાં નથી આવ્યા. તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે