લોકમંચના અધ્યક્ષ અને સમાજવાદી પાર્ટીના હાંકી કઢાયેલા નેતા અમર સિંહે હવે કોંગ્રેસનો છેડો પકડવા માટે સોનિયા ગાંધીના ગીત ગાવાના શરૂ કર્યા છે. અમરસિંહના સુરથી તો લાગે છે કે તેઓ બહુ ઝડપથી કોંગ્રેસમાં સામેલ થઈ જશે.
કોઈ મોટા પક્ષનો છેડો પકડવા માટે બેચેન અમર સિંહે આજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્ર રાયબરેલીમાં કુસ્તી પ્રતિયોગિતાનું ઉદઘાટન કર્યું હતું. અવસરનો લાભ ઉઠાવતા તેમણે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહની ઘણી પ્રશંસા કરી હતી.તેમણે કહ્યું હતું કે શ્રીમતી સોનિયા ગાંધી જેવા વ્યક્તિત્વના નેતા આખી દુનિયામાં કોઈ નથી.
અમર સિંહે સોનિયા ગાંધીના સંદર્ભે પહેલા કરેલી ટિપ્પણી પર સ્પષ્ટતા રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે સોનિયા ગાંધી સંદર્ભે તેમણે જે પણ કંઈ કહ્યું હતું તે તેમના નહીં પણ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવના શબ્દો હતા. મુલાયમ સિંહ પર આરોપ લગાવતા અમર સિંહે કહ્યું હતું કે તેઓ તેમના ખભા પર બંદૂક મૂકીને અન્ય નેતાઓ પર ગાળો બોલાવતા રહ્યાં છે.
અમર સિંહે સોનિયા ગાંધીની પ્રશંસાના દરેક મોકાનો ઘણો ફાયદો ઉઠાવ્યો હતો. જ્યારે પત્રકારોએ તેમને પરિવારવાદ સંદર્ભે સવાલ કર્યો તો તેમણે કહ્યું હતું કે પરિવારવાદ વિરુદ્ધ સમગ્ર વિપક્ષના આંદોલનનો જવાબ શ્રીમતી સોનિયા ગાંધીએ વડાપ્રધાનની ખુરશી ઠુકરાવીને આપ્યો છે. સોનિયા ગાંધીના આ નિર્ણયથી સમગ્ર વિપક્ષ હતપ્રભ બની ગયો હતો.
અમર સિંહે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય છબીવાળા નેતા સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્રમાં આવીને તેઓ પોતાની પહેલાની ટિપ્પણીઓ સંદર્ભે ખેદ વ્યક્ત કરવા માગતા હતા. અમર સિંહે કહ્યું હતું કે શ્રીમતી ગાંધી સાથે તેમની ઘણીવાર મુલાકાત થઈ છે, પરંતુ તેમણે ક્યારેય જૂની ટિપ્પણીઓ સંદર્ભે તેમની સાથે ચર્ચા કરી નથી.
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ ખાસકરીને સોનિયા ગાંધીના નેતૃત્વમાં સતત આગળ વધી રહી છે. આજે રાજકીય દુશ્મનીના કારણે રાયબરેલીને વિકાસથી દૂર રાખવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. તેમણે તેના માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતીની પણ આલોચના કરતાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ સરકાર રાયબરેલીની ઉપેક્ષા કરી અહીં કોઈ યોગ્ય કામ થવા દેતા નથી. તેમણે લોકો સમક્ષ પરિવર્તનનું આહવાન કર્યુ અને કહ્યું હતું કે રાજ્યની જનતા સત્તામાં પરિવર્તન ઈચ્છે છે.