ઓડીસાના એક શિક્ષકની અસાધારણ સેવાને કારણે આજે તેમનું આખું ગામ ગૌરવ અનુભવે છે. ૬૨ વર્ષના બલરામ દાસ છેલ્લાં ૪૦ વર્ષથી ઓડીસાના કેન્દ્રપાડા જિલ્લાની ગોવિંદપુર શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને આ માટે તેઓ વેતન લેતા નથી. ચાર દાયકાથી શિક્ષક હોવા છતાં શિક્ષકોની સરકારી યાદીમાં તેમનું નામ નથી, કેમકે તેઓ જોડાયા ત્યારે જ સ્પષ્ટતા કરી દીધી હતી કે પોતે એકપણ રૂપિયાનું વેતન લીધા વિના શિક્ષણનો સેવાયજ્ઞ ચલાવશે. તેમના જીવનનું ધ્યેય તમામને શિક્ષિત કરવાનું છે.
શાળાના આચાર્ય અશોકકુમાર સાહુએ દાસ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતા જણાવ્યું કે, સવારે બરાબર ૧૦ વાગ્યાના ટકોરે બલરામ દાસ તેમની સાઈકલ દ્વારા શાળામાં અચૂક પહોંચી જાય છે. આ ક્રમ ૪૦ વર્ષથી એકધારો ચાલુ છે. વળી તેઓ શ્રેષ્ઠ શિક્ષક છે. તેમની શિક્ષણ આપવાની પદ્ધતિ પણ ઉમદા છે જેને કારણે સ્કૂલમાં અને ગ્રામવાસીઓમાં પણ તેઓ લોકપ્રિય બની ગયા છે.
આજીવિકા માટે ખેતી કરતા બલરામ દાસને વર્ષો સુધીની સેવા પછી શાળાએ તેમને પ્રતિમાસ R ૫૦૦ આપવાનું નક્કી કર્યું હતું. દાસે પ્રારંભમાં તો આ રકમ લેવાનો ઈનકાર કર્યો હતો, પરંતુ ઘણી સમજાવટ બાદ તેમણે આ નજીવી રકમ લેવાનું સ્વીકાર્યું હતું, તેમ જણાવી આચાર્યએ કહ્યું કે, આમ તો સત્તાવાર રીતે કોઈ બહારની વ્યક્તિને સરકારી શાળામાં શિક્ષણ આપવા માટે આવવા ન દેવાય, પરંતુ દાસના શિક્ષણ પ્રત્યેના લગાવને જોઈને તેમના માટે અપવાદ રાખવામાં આવ્યો હતો.
મેં મારું મિશન ૧૯૭૧માં શરૂ કર્યું હતું
ઓડીસાના એક નાના ગામમાં ગરીબ અને કચડાયેલા વર્ગોના વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપનાર બલરામ દાસ કહે છે કે, ‘‘મને લાગે છે કે તમામ પ્રકારનાં અનિષ્ટો અને ભેદભાવ માટે શિક્ષણનો અભાવ જવાબદાર છે. અમારા ગામમાં પ્રાથમિક શાળા નહોતી અને જ્યારે સ્થપાઈ ત્યારે ઘણા વાલીઓ તેમની ગરીબીને કારણે તેમનાં બાળકોને શાળામાં મોકલી શકે તેમ નહોતાં. આ કારણે મેં ગામનાં ગરીબ બાળકોને ભણાવવાનું મિશન શરૂ કર્યું હતું.’’