બિહારમાં નક્સલીઓ દ્વારા બંધક બનાવાયેલા 4 પોલીસકર્મીઓને છોડવાની અવેજમાં જે 8 નક્સલીઓની મુક્તિની માગણી કરી છે, તેમાંથી 7ને રાજ્ય પોલીસ વધારે ખૂંખાર માનતી નથી. પોલીસના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, નક્સલીઓએ જે 8 સાથીદારોની મુક્તિની માગણી કરી છે, તેમાંથી એક બાંકા જેલમાં બંધ જય પાસવાન જ એક એવો છે કે જેના પર દોઢ ડઝનથી વધારે સંગીન મામલા દર્જ છે, જ્યારે અન્યની સાથે આમ નથી.
પાસવાન સિવાય જે 7 નક્સલીઓને છોડવાની શરત રાખવામાં આવી છે, તેમાં વિજય ચૌધરી, પ્રમોદ વરનવાલ, રમેશ ટિર્કી, રામવિલાસ પાસી, અર્જૂન કોડા, રત્તૂ કોડા અને વિશ્વનાથ બૈઠાનો સમાવેશ થાય છે. આ તમામ નક્સલીઓ બાંકા, ભાગલપુર અને જમુઈની જેલોમાં બંધ છે. આ તમામ જેલોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાય છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, જેલમાં બંધ આ સંદિગ્ધ નક્સલીઓ પર મોટાભાગે બળજબરીથી ખંડણી ઉઘરાવાના મામલા નોંધાયેલા છે. સૂત્રોનું કહેવું છે કે આ લોકોનો વિસ્તાર મુખ્યત્વે નવાદાથી લઈને જમુઈ સુધી વિસ્તરેલો છે. બીજી તરફ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને તેમની મુક્તિ માટે સોદાબાજી કરવાનો મામલો સમજમાં આવી રહ્યો નથી.