સંસદનું મોનસૂન સત્ર પરમાણુ દાયિત્વ બિલ, સાંસદોનું વેતન-ભથ્થા વધારા બિલ, ભોપાલ ગેસ કાંડ પર 26 વર્ષ બાદ ચર્ચા વગેરેને લઈને ઘણી ગરમાગરમી રહી, પરંતુ આ ગરમાગરમીમાં એ વાતને નજરઅંદાજ કરી દેવામાં આવી કે સાંસદો દ્વારા હંગામો કરવાને કારણે સરકારી ખજાનાના 45 કરોડ રૂપિયા વેડફાયા છે.
મોંઘવારી, ખેડૂતો પર ગોળીબાર, જાતિ આધારીત વસ્તીગણતરી અને સાંસદોના વેતન વધારાને લઈને સંસદના છ બહુમૂલ્ય દિવસો નષ્ટ થયા અને કરદાતાઓના લગભગ 45 કરોડ રૂપિયાની કમાણી મોનસૂન સત્રમાં વહેવડાવી દેવામાં આવી.
લોકસભા સચિવાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, સંસદની એક દિવસની કાર્યવાહીમાં લગભગ 7 કરોડનો ખર્ચ આવે છે અને સાંસદોના હંગામાને કારણે છ દિવસથી વધારે સમય નષ્ટ થયો છે. જેના કારણે 45 કરોડ રૂપિયાથી વધારે નાણાં વ્યર્થ બરબાદ થયા છે.
મહત્વપૂર્ણ છે કે વર્ષ 2010-11 માટે સંસદના બંને ગૃહો અને સંસદીય કાર્ય મંત્રાલયનું કુલ બજેટ અંદાજે 535 કરોડ રૂપિયા છે અને એક વર્ષમાં સંસદ ત્રણ વખત એટલે કે બજેટ સત્ર, મોનસૂન સત્ર અને શિયાળું સત્ર માટે મળે છે. ગત પાંચ વર્ષોમાં (2005-09) દર વર્ષે સંસદની સરેરાશ 70 બેઠકો થઈ છે. આ હિસાબે એક સત્રના એક દિવસની કાર્યવાહીનો ખર્ચ 7.65 કરોડ રૂપિયા આવે છે.
સચિવાલય સૂત્રોએ જણાવ્યું હતું કે સંસદનું આ બજેટ માત્ર બેઠકો માટે નિર્ધારીત હોતું નથી. પરંતુ તેમાં લોકસભા અને રાજ્યસભા સચિવાલયોના તમામ કર્મચારીઓ અને અન્ય સંબંધિત પ્રવૃતિઓમાં થનારો ખર્ચ પણ સામેલ હોય છે. ઉપલબ્ધ આંકડા પ્રમાણે, 535 કરોડ રૂપિયાના વાર્ષિક બજેટમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે 67 લાખ, વિપક્ષના નેતા અને તેમના કાર્યાલય માટે 93 લાખ રૂપિયા, 545 સાંસદો માટે 171 કરોડ રૂપિયા અને 175 કરોડ રૂપિયા લોકસભા સચિવાલય માટે નિર્ધારીત હોય છે.
તેમા વિભિન્ન રાજકીય પક્ષોના મુખ્ય સચેતકો અને કાર્યાલયો માટે 29 લાખ રૂપિયા તથા 87 લાખ રૂપિયા અન્ય ખર્ચમાં જાય છે. આ પ્રકારે રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ માટે 72 લાખ રૂપિયા, વિપક્ષના નેતા અને કાર્યાલય માટે 88 લાખ રૂપિયા, 250 સાંસદો માટે 75 કરોડ રૂપિયા, સચિવાલય ખર્ચ 96 કરોડ રૂપિયા, રાજકીય પક્ષોના સચેતકો માટે 17 લાખ રૂપિયા અને અન્ય ખર્ચા માટે 61 લાખ રૂપિયાની જોગવાઈ છે.
સંસદની કાર્યવાહીના સુચારુ સંચાલનને સુનિશ્ચિત કરવાની જવાબદારી સંભળનારા સંસદીય મામલાના મંત્રાલય માટે અલગથી લગભગ સાડા આઠ કરોડ રૂપિયાનું બજેટ હોય છે. આ સંદર્ભે 26 જુલાઈથી શરૂ થયેલા મોનસૂન સત્ર માટે 24 બેઠકો થવી નિર્ધારીત હતી. જેમા પહેલા પાંચ દિવસ હંગામાને કારણે બરબાદ થયા. તેમા ન કેવળ સમય અને નાણાં બરબાદ થયા, પરંતુ મહત્વપૂર્ણ કામકાજ નિપટાવા માટે 21 ઓગસ્ટ શનિવારે પણ સંસદની બેઠક બોલાવી પડી અને સત્રની અવધિ 30 અને 31 ઓગસ્ટ એમ બે દિવસ માટે વધારી દેવામાં આવી હતી.