૧૦ પાનાંના પત્રને પુરાવા તરીકે રેકોર્ડ પર લેવા પણ રજૂઆતઝડફિયાએ પ્રથમવાર મોદીનો સીધો ઉલ્લેખ કરતાં તેમના માટે મુશ્કેલી સર્જાઈ શકે છે
ગોધરાકાંડ બાદના બનાવોની તપાસ કરતી એસઆઇટી સમક્ષ શુક્રવારે હાજર થયેલા પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયાએ ગોધરાકાંડ પછી થયેલા કોમી રમખાણો માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જવાબદાર હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
ઝડફિયાએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો હતો કે, રમખાણો સમયે મુખ્યમંત્રી જ અધિકારીઓ સાથે સીધી વાતચીત કરતા હતા અને અધિકારીઓને સૂચનાઓ પણ તેમના તરફથી જ મળતી હતી. તે સાથે એસઆઇટીને ૨૭ ફેબ્રુઆરીએ મળેલી ઉચ્ચ સ્તરની ગુપ્ત બેઠક અંગેની માહિતી આપી હોવાનું કહેવાતો લખેલા ૧૦ પાનાંના પત્રને રેકોર્ડ પર લેવા માટે પણ ઝડફિયાએ રજૂઆત કરી હતી.
ઝડફિયાના આ ઘટસ્ફોટ પછી મોદી સામે આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉ સીટ દ્વારા મોદીની પૂછપરછ થઇ ચૂકી છે. કારણકે સીટ દ્વારા ઝડફિયાની આ રજુઆતને સુપ્રીમ કોર્ટના અહેવાલમાં રજુ કરવામાં આવશે.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા શુક્રવારે બપોરે સાડા બાર વાગ્યે જૂના સચિવાલયમાં આવેલી એસઆઇટીની કચેરીમાં આવ્યા હતા અને મોડી સાંજે સવા સાત સુધી તેમની પૂછપરછ ચાલી હતી. ગોરધન ઝડફિયાની આજે બે તબક્કામાં પૂછપરછ થઈ હતી. સાડા સાત કલાક સુધી ચાલેલી પૂછપરછમાં ઝડફિયાને બપોરના અડધો કલાક જમવાનો સમય આપવામાં આવ્યો હતો.
એસઆઇટીના અધિકારીઓએ ઝડફિયાને ગુલબર્ગ હત્યાકાંડમાં માર્યા ગયેલા પૂર્વ સાંસદ અહેસાન જાફરીનાં વિધવા ઝકિયા જાફરીની ફરિયાદ વાંચી સંભાળવી હતી. ઝડફિયાએ એસઆઇટીને આપેલા નિવેદનમાં સૌપ્રથમ વાર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ આપ્યું હતું અને મુખ્યમંત્રીની તોફાનો સમયની ભૂમિકાની સ્પષ્ટતા કરી હતી.
અગાઉ ચાર વખત થયેલી પૂછપરછમાં ઝડફિયાએ મુખ્યમંત્રીનો ક્યારેય ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ આજે આપેલા નિવેદનમાં મુખ્યમંત્રીની સીધી સૂચનાથી પોલીસ અધિકારીઓ કામ કરતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ઝડફિયાએ પોતાના નિવેદનમાં એમ પણ જણાવ્યું હતું કે, રમખાણો સમયે કોઈ પોલીસ અધિકારીઓ સાથે મેં વાત કરી નથી અને અધિકારીઓને કોઈ સૂચનાઓ પણ આપી નથી. અધિકારીઓએ જે પણ કામગીરી કરી છે તે મુખ્યમંત્રીના આદેશના આધારે કરી છે.
ગોરધન ઝડફિયાએ એસઆઇટીના અધિકારીઓને મહિના અગાઉ ૧૦ પાનાંનો પત્ર લખ્યો હતો. તે પત્ર પોતે જ લખ્યો હોવાનું પણ જણાવ્યું હતું અને આ ૧૦ પાનાંના પત્રને રેકોર્ડ પર લેવા માટે પણ રજુઆત કરી હતી.
એસઆઇટીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર હાલના તબક્કે કોઈની પણ ધરપકડ કરવાની નથી. આગામી ૨૬મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટમાં તપાસ અહેવાલ રજુ કરવાનો હોવાથી સુપ્રીમ કોર્ટને તપાસ અહેવાલ સોંપવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.