ગાંધીનગર શહેરના સેક્ટર-૮માં રહેતી કિશોરીને તેનો બનેવી વીસ દિવસ પહેલાં ભગાડી ગયો હતો. કિશોરીના પિતાને જમાઇ જ દીકરીને ભગાડી ગયો હોવાનું ધ્યાનમાં આવતાં જમાઇ વિરુદ્ધ સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. છેલ્લા વીસ-પચ્ચીસ દિવસથી ફરાર કિશોરી અને બનેવીનો કોઇ પત્તો લાગ્યો નથી.
સેક્ટર-૮માં રહેતી યુવતીના ત્રણ મહિના પહેલાં મે મહિનામાં અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા યુવાન રામચંદ્ર ઉર્ફે રવિ પટેલ સાથે લગ્ન થયાં હતાં. લગ્ન બાદ યુવતી તેના સાસરિયે જતી રહી હતી. પતિ-પત્ની અવારનવાર ગાંધીનગર પિયરમાં આવતાં હતાં. આ સમયગાળામાં યુવાનને નાની સાળી સાથે આંખ મળી ગઇ હતી.
ગઇ ૮મી ઓગસ્ટે રામચંદ્ર ઉર્ફે રવિ ગાંધીનગર આવ્યો હતો અને સાળીને લઇને ગયો હતો. ત્યારબાદ બંનેનો કોઇ પત્તો નથી. રામચંદ્ર ઉર્ફે રવિ તેના ઘરે પણ પાછો ગયો ન હતો. સાળીને લઇને પતિ ભાગી જતાં પત્ની પિતાના ઘરે આવી ગઇ હતી. કિશોરીના પિતાએ સગાંસંબંધીઓના ઘરે તપાસ કરી હતી.
પરંતુ બંને જણાનો કોઇ પત્તો ન મળવાને કારણે કિશોરીના પિતાએ સેક્ટર-૭ પોલીસ સ્ટેશનમાં જમાઇ રામચંદ્ર ઉર્ફે રવિ પટેલ વિરુદ્ધ ફરિયાદ આપતા સેક્ટર-૭ પોલીસ સ્ટેશનના પીએસઆઇ વાય.એન.પઠાણે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. છેલ્લા ૨૦-૨૫ દિવસથી પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ બંને જણાનો કોઇ પત્તો મળ્યો નથી.