બીજા બનાવમાં રાયપુર પાસે કેનાલમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો
ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરવાના બે બનાવો ડભોડા પોલીસ દફતરે નોંધાયા છે. જેમાં પ્રથમ બનાવમાં અમદાવાદના કુબેરનગરના યુવાને પિતાએ આપેલા ઠપકાના પગલે કરાઇ પાસે કેનાલમાં પડીને આત્મહત્યા કરી લીધી હતી.
અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતાં પવન પ્રતાપભાઇ ઉકલાણી નામના યુવાને ગાંધીનગરના કરાઇ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. રવિવારે મોડીસાંજે કેનાલમાંથી તેનો મૃતદેહ મળી આવ્યા બાદ ડભોડા પોલીસમથકના જમાદાર દલપતસિંહે તેના ખિસ્સામાંથી મળેલા મોબાઇલ ફોનના આધારે તેના પરિવારજનોને શોધી કાઢયાં હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા પ્રમાણે યુવાનને તેના પિતા સાથે બોલાચાલી થઇ હતી અને પિતાએ ઠપકો આપતાં લાગી આવવાના પગલે તેણે આત્મઘાતી પગલું ભરી લીધું હતું.
મૃતક યુવાન તેના પિતાનો એકનો એક દિકરો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ડભોડા પોલીસમથકમાં જ નોંધાયેલા બીજા બનાવમાં ગાંધીનગરના રાયપુર ગામ નજીક નર્મદા કેનાલના સાઇફનમાંથી ૩૦થી ૩પ વર્ષની વયના જણાતા અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ બનાવ અંગે જાણ થતા ડભોડા પોલીસમથકના જમાદાર સુરેશભાઇ સ્થળ પર દોડી ગયા હતાં. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં એમ ખુલ્યું હતું કે, મૃતક યુવાનની લાશ એકાદ સપ્તાહથી પાણીમાં હોવાની શકયતા છે. કેમ કે, મૃતદેહ અતિશય કહોવાઇ ગયેલી હાલતમાં મળ્યો હતો. મૃતક યુવાને સફેદ રંગનો શર્ટ અને વાદળી રંગનું પેન્ટ પહેરેલાં છે. પોલીસે તેની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યાં છે.