ફળ, ફૂલ અને શાકભાજી અને વિવિધ પ્રકારના બોન્સાઈનું પ્રદર્શન યોજાયું
જીવનનો એક ભાગ ગણાતા લીલા શાકભાજીમાં શું તમે કોઇ દિવસ ૬ કિલોનું લીંબુ, ૧૨ કિલોની દૂધી, રિંગણ અને રવૈયાની ૧૭ જાતો, લીંબુ જેવી મોસંબી તેમજ તરબૂચ જેવી ગોળ દૂધી સાંભળીને આશ્ચર્ય લાગે, પરંતુ આ હકીકત છે કે આવા અનેક પ્રકારના શાકભાજી, ફળ અને ફૂલ લો ગાર્ડન ખાતે ગુજરાત હોર્ટિકલ્ચર એસોસિએશન દ્વારા આયોજિત ભવ્ય પ્રદર્શનમાં નિહાળી શકાશે.
ફૂલોની વિવિધ જાત શુક્રવારે શરૂ થયેલા આ પ્રદર્શનમાં ૧૩ પ્રકારના ફળ, ૨પ કેટેગરીમાં શાકભાજી તેમજ ૨૯ કેટેગરીમાં ડાયન્થસ, પિન્ટુનીયા, વર્ખીના, આસ્ટર, ગુલાબ અને મેરીગોલ્ડ ફૂલોનું પ્રદર્શન જોઇ શકાય છે. તે ઉપરાંત ફુલોની કલાત્મક ગોઠવણ, બોન્સાઇ પ્લાન્ટ, લેન્ડ સ્કેપિંગ ટ્રે તથા ફળ અને શાકભાજીની વિવિધ જાતો રાખવામાં આવી છે. આ પ્રદર્શન ૫ ફેબ્રુઆરી સુધી માણી શકાશે.
મોસંબી અને દૂધી બન્યા આકર્ષણ લીંબુ જેવી દેખાતી મોસંબી, ત્રણથી ચાર ફૂટની દૂધી જેવા શાકભાજીએ બધાના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પ્રદર્શનમાં વિવિધ પ્રકારના લેન્ડ સ્કેપ અને બોન્સાઇના છોડ રાખવામાં આવ્યા છે. જેમાં એલોવેરા, એડિનિયમ, ચમ્પો, સિલ્વર યુકા પામ, સાઇકસ, મિનિ ટ્યૂશન, લિપ સ્ટક ફાઇકસ, અરેલિયા, જેડ અને બોગન બોન્સાઇ કૂંડામાં વૃક્ષના આકારમાં બનાવ્યા હતા. આ બોન્સાઇમાં સૌથી કોસ્ટલી અને આકર્ષક ગુગળ, વડ, પીપળ અને ફાઇકસ હતા.
૧૪૦ જેટલા બગીચાઓએ ભાગ લીધો હોર્ટિકલ્ચર દ્વારા આયોજિત ગાર્ડન હરિફાઇમાં ૧૪૦ જેટલા બગીચાઓએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ વિભાગો જેવા કે જાહેર સંસ્થાના બગીચા, ખાનગી બગીચા, ફાર્મ હાઉસ, ટેરેસ ગાર્ડન, ટ્રાફિક આઇલેન્ડ, સ્કૂલ-કોલેજ બગીચા, પાર્ટી પ્લોટ, ખાનગી સોસાયટીના બગીચા રાખવામાં આવ્યા હતા.
અહો! છ કિલોનું લીંબુ પ્રદર્શનમાં વિવિધ ફળ, ફૂલોના આકર્ષણ સાથે છ કિલોનું વજન ધરાવતું લીંબુ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું. આ ઉપરાંત ૧૨ કિલોની દૂધી અને રવૈયાની ૧૭ જાત ઉપરાંત દડા જેવી ગોળાકાર દૂધી પણ સૌના આકર્ષણનુ કેન્દ્ર બની છે.