ન્યૂ વલ્લભ વિદ્યાનગર મહિલા ઈજનેરી કોલેજમાં પ્રવેશ મુદ્દે હોબાળો

- સરકારની ગાઈડ લાઈન મુજબની ફી વેવર સ્કીમ તળે ૨૪ વિદ્યાર્થિનીનો પ્રવેશ અટકાવાયો
- વિદ્યાર્થિનીઓ વતી રજુઆત કરનાર આચાયે રાજીનામું આપતાં છાત્રાઓએ કોલેજ કેમ્પસમાં ‘વી વોન્ટ જસ્ટીસ’ સહિતનો ઉગ્ર સુત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો
ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત મહિલા ઈજનેરી કોલેજમાં ટ્યૂશન ફી વેવર સ્કીમનાં ૨૪ વિદ્યાર્થિનીનાં પ્રવેશ મામલે ચાલતા વિવાદમાં અચાનક આચાર્યએ રાજીનામું આપી દેતાં મંગળવારે હોબાળો મચી ગયો હતો. આચાર્યને ફરી લેવાનાં મામલે વિદ્યાર્થિનીઓએ કોલેજ કેમ્પસમાં મંગળવારે બપોરે ‘વી વોન્ટ જસ્ટીસ’ સહિતનો ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજની તમામ વિદ્યાર્થિનીઓ જોડાતાં મામલો ગંભીર બની ગયો હતો.
ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત સીવીએમ સંચાલિત મધુબેન એન્ડ ભાનુભાઈ પટેલ વુમન ઈન્સ્ટીટયુટમાં તાજેતરમાં ૨૪ જેટલી વિદ્યાર્થિનીઓને સરકારી નિયમ મુજબ ફી વેવર યોજનામાં અભ્યાસ કરવા માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે, સંચાલકો દ્વારા આ વિદ્યાર્થિનીઓને સ્વીકારવાની ના પાડતાં ખેંચતાણ શરૂ થઈ ગઈ હતી. મામલો ત્યાં સુધી પહોંચી ગયો હતો કોલેજનાં આચાર્ય ડૉ. વિટ્ઠલ કામતે દરમિયાનગીરી કરી છાત્રાઓ વતી રજુઆત કરી હતી.
બાદમાં અચાનક આચાર્યપદેથી ડૉ.વિટ્ઠલ કામતે રાજીનામું આપી દેતાં મંગળવારે હોબાળો મચી ગયો હતો. કેમ્પસમાં સદર વાત વાયુવેગે ફેલાઈ જતાં કોલેજની વિદ્યાર્થિનીઓ મોટીસંખ્યામાં એકત્ર થઈ હતી અને કેમ્પસમાં જ ‘વી વોન્ટ જસ્ટીસ’ સહિતના નારાં લગાવી દીધાં હતાં. આ હલ્લાબોલનાં પગલે સંચાલકો પણ દોડતા થઈ ગયાં હતાં અને મામલાને થાળે પાડવા વાતચીતનો દોર ચલાવ્યો હતો.એજ્યુકેશન હબ ગણાતાં વિદ્યાનગરનો આ બનાવ કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
વિદ્યાર્થિનીઓની તરફેણમાં રાજીનામું આપ્યું છે
ન્યુ વલ્લભવિદ્યાનગર સ્થિત મહિલા એન્જિનીયરિંગ કોલેજનાં આચાર્ય ડૉ. વિટ્ઠલ કામતે જણાવ્યું હતું કે ‘ફી વેવર કેસમાં મંડળ તરફથી ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. એસીપીસી (એડમશિન કમિટિ ફોર પ્રોફેસનલ કોર્સિસ)ના નિયમ મુજબ કોલેજની કુલ સીટના પાંચ ટકા વિદ્યાર્થીને ફી વેવર યોજનામાં સમાવવા. જ્યારે મંડળ તરફથી ભરાયેલી સીટનાં જ પાંચ ટકાને પ્રવેશ આપવાનું કહેતા માત્ર પાંચ જ વિદ્યાર્થિનીઓ પ્રવેશ કરી શક્યા હતો. આથી, રાજીનામું આપી દીધું છે.’
કોલેજમાં ૨૦:૧ને પ્રવેશ અપાશે : ડૉ.સી.એલ. પટેલ
ચારૂતર વિદ્યામંડળનાં ચેરમેન ડૉ.સી.એલ. પટેલે જણાવ્યું હતું કે ‘સરકારી નિયમો સંસ્થાનાં હિતમાં હોવા જોઈએ નહીં કે તેને નુકશાનકર્તા. મહિલા એન્જિનીયરિંગ કોલેજ રૂ.ત્રણ કરોડની ખોટ કરી રહી છે. આ સ્થિતિમાં ૨૪ વિદ્યાર્થીને ફી વેવરનો લાભ આપવો મુશ્કેલ છે. આમ છતાં વિદ્યાર્થીઓનાં હિતમાં મંડળ દ્વારા ૨૦ : ૧ વિદ્યાર્થીને સમાવવા તૈયાર છે.’
બાયોસાયન્સનાં વડા સામે એબીવીપી દ્વારા દેખાવ
આણંદ સરદાર પટેલ યુનિવર્સિટી સંચાલિત બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટનાં વડા વિરૂદ્ધ આણંદ જિલ્લા અખિલ વિધાર્થી પરિષદ દ્વારા છેલ્લાં છ માસથી ચાલતી લડાઈમાં કોઈ પગલાં ન ભરાતા મંગળવારના રોજ
અગ્રણીઓએ યુનિ. સામે દેખાવ યોજી સત્તાધીશોને આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય નેતા પિંકલ ભાટીયાએ જણાવ્યું હતું કે ‘એસ.પી. યુનિવર્સિટી સંચાલિત બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ કિરણબેન કાલિયા વિરૂદ્ધ છ મહિનાથી તમામ પુરાવા સાથે રજુઆત બાદ પણ યુનિવર્સિટી સત્તાધિશો દ્વારા શિક્ષણહિતનાં કોઈ પગલાં આજદિન સુધીમાં લેવામાં આવ્યાં નથી.
ડિસેમ્બર-૨૦૧૧માં તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી હતી. પરંતુ સમિતિના રિપોર્ટને દબાવવા પ્રયત્ન થયાં છે. આ સંદર્ભે મંગળવારના રોજ વધુ એક વખત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી અને દેખાવ, સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રર્દશિત કરવામાં આવ્યો હતો.






