પ્રેમિકાની માતાની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે દંપતીની ધરપકડ કરી
નડિયાદ તાલુકાના રાજનગરના એક પરણિત યુવકે કણજરીની એક સગીર કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. આ યુવક પત્ની તથા પ્રેમિકાને સાથે રાખી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ પ્રેમિકા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સંદર્ભે કિશોરીની માતાએ ચકલાસી પોલીસ મથકે દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેઓની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ ‘કણજરીમાં વીડિયો શુટિંગ તથા ફોટોગ્રાફીનો ધંધો કરતો નડિયાદ તાલુકાના રાજનગર ખાતે રહેતા સંજયભાઈ ચુનીલાલ જાદવ (ઉં.વ.૨૨)ને કણજરીની મિનલબહેન (ઉં.વ.૧૬) સાથે આંખો મળી ગઈ હતી. સંજય પરણિત હોવા છતાં તેની પ્રેમિકા મિનલને પોતે અપરિણીત હોવાનું જણાવી લગ્ન કરવાની લાલચ આપી હતી.
દરમિયાન તા.૨૫ સપ્ટેમ્બરના રોજ સાંજના ૬ વાગે કણજરી ડેરી પાસેથી મિનલને લલચાવી, લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયો હતો. આ સંદર્ભે મિનલની માતાએ ચકલાસી પોલીસ મથકે દીકરી ગૂમ થઈ હોવાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. સંજયે તેની પત્ની ગૌરીબહેન તથા મિનલને લઈ અમદાવાદ, ખેડબ્રહ્ના, અંબાજી, આબુ, દ્વારકા તથા ભાવનગર ખાતે લઈ જઈ મિનલ પર બળાત્કાર ગુજાર્યો હતો.’
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે ‘સંજયે ભાવનગર ખાતે એક રૂમ ભાડે રાખી પત્ની ગૌરી તથા પ્રેમિકા મિનલની સાથે રહેતો હતો. પત્નીની સામે જ તે મિનલ પર બળાત્કાર ગુજારતો હતો. દરમિયાન સંજય તથા ગૌરી વચ્ચે અગમ્ય કારણોસર ઝઘડો થતાં તા.૩૦ ઓક્ટોબરના રોજ પ્રેમિકા મિનલને કણજરી ચોકડી ખાતે ઊતારી ભાગી ગયો હતો.
મિનલે વિધવા માતાને જાણ કરતાં તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારબાદ માતાએ ચકલાસી પોલીસ મથકે સંજય ચુનીલાલ જાદવ (ઉં.વ.૨૨) તથા ગૌરીબહેન સંજયભાઈ જાદવ (ઉં.વ.૨૦) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬,૩૭૬ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી આ દંપતીની અટકાયત કરી હતી.’ વધુ તપાસ પોસઈ એસ.વી.વાઘેલા ચલાવી રહ્યા છે.