-ચરોતર પંથકમાં સતત ત્રીજા દિવસે પણ ઠંડીનો ચમકારો યથાવત
-લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે રહેતાં સમગ્ર જનજીવન પર માઠી અસર
ચરોતર પંથકમાં સતત ત્રીજા દિવસે પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. તાપમાનમાં આંશિક વધારો થવા છતાં બર્ફીલા પવન ફૂંકાતા હોઇ તીવ્ર ઠંડી અનુભવાઈ રહી હતી.
સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે રહેતાં સમગ્ર જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે. જો કે શનિવારથી તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર હળવું થવાનો આણંદ હવામાન વિભાગ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે મહત્તમ તાપમાન ર૪.ર ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૬.૮ ડિગ્રી, ભેજનું પ્રમાણ ૬૪ ટકા, પવનની ગતિ ૩.૨ કિમી પ્રતિ કલાક પવનની દિશા ઉત્તર-પૂર્વ નોંધાઈ હતી. જ્યારે વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન ર૭.ર ડિગ્રી, લઘુતમ તાપમાન ૭.૮ ડિગ્રી અને ભેજનું પ્રમાણ પ૩ ટકા નોંધાયું હતું. ગતરોજની સરખામણી મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થતાં કાતિલ ઠંડીથી થોડી રાહત મળી હતી. આમ છતાં સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રીથી નીચે રહેવા સાથે ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા બર્ફીલા પવનોથી તીવ્ર ઠંડી અનુભવાઈ રહી હતી.