ગાંધીનગર પાસે આવેલા બીએસએફ કેમ્પમાં રહેતા કોન્સ્ટેબલની પત્ની સંધ્યા દિવાકર રામલીંગમે ગઇરાત્રે તેમના ઘરમાં જ પંખે સાડી વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. મૃત પરિણીતાના આંધ્રપ્રદેશ રહેતા માતા-પિતા ગાંધીનગર આવી ગયા હતાં અને કોન્સ્ટેબલ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણની ફરિયાદ આપતા ડભોડા પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
ગાંધીનગર બીએસએફ કેમ્પમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિવાકર રામલીંગમના લગ્ન ચાર વર્ષ પહેલાં આંધ્રપ્રદેશની યુવતી સાથે થયા હતાં. જેમાં બે બાળકોનો જન્મ થયો હતો. કોન્સ્ટેબલ દિવાકર ગઇકાલે રાત્રે નોકરીએ ગયો હતો. આજે વહેલીસવારે ઘરે આવ્યો ત્યારે તેની ૨૨ વર્ષીય પત્ની સંધ્યા સાડી વડે પંખા પર ફાંસો ખાઇ લીધો હતો. પત્નીની લાશને લટકતા જોઇ કોન્સ્ટેબલના હોંશ ઊડી ગયા હતાં.
તાત્કાલિક અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતાં. મૃત પરિણીતાના માતા-પિતા આંધ્રપ્રદેશ રહેતા હોવાથી તેમને જાણ કરાતા તેઓ આવી પહોંચ્યા હતાં. ડભોડા પોલીસે મૃત પરિણીતાની લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને રાખ્યું હતું.
પરિણીતાના પિતા રમેશ મદનરયા મચલાએ જમાઇ દિવાકરના ત્રાસના કારણે તેમની દીકરીએ આ પગલું ભર્યું હોવાનું પોલીસને જણાવ્યું હતું. મૃત દીકરીના પિતાએ જમાઇ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધી કોન્સ્ટેબલની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.