જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં (જેએલએફ) ભાગ લેવો એટલે લેખકનું રાજવી અનુભવમાંથી પસાર થવું. જ્યાં નજર પડે ત્યાં ભવ્યતા, નકરો ભપકો નહીં પણ જ્ઞાનની ભવ્યતા, શબ્દોનું રાજ, પ્રતિભાઓનો દરબાર! આ વર્ષે વકતા તરીકે હું જેએલએફની પાંચ દિવસની મહેમાન બની. આ પાંચ દિવસના અનુભવને શબ્દોમાં બાંધવું સહેલું નથી પણ જેએલએફ શબ્દ કાને પડે એટલે ફિલ્મની પટ્ટીની માફક ત્યાં નજરે પડતા તેજસ્વી ચહેરા, ફુલો અને લહેરિયાના શામિયાણાથી સજાવેલો ડિગ્ગી પેલેસ, બૌદ્ધિકોના તેજ સાથે ઝળહળતા દિવા, રામબાગ પેલેસમાં લકઝુરિયસ કારમાં આવ જા કરતા સર્જકો,ઉત્સુક વાચકો, ધીરગંભીર વરિષ્ઠ લેખકો તો મેઘધનુષ જેવા ફ્રેશ રાઇટર્સ આંખ સામે તરી આવે.
જેએલએફમાં મારે માટે તો ઘણા ‘હાઇ પોઇન્ટ્સ’ હતા. તામિલનાડુની લેખિકા બાના ફોસ્ટિઆના સાથે હું વાત કરતી હતી. રાઇટર્સ કોર્ટયાર્ડના પ્રવેશદ્વાર તરફ મારી પીઠ હતી. બાના બહુ જુદા સામાજિક પરિવેશમાંથી આગળ આવી છે એ મને ઓપ્રાહ વિશે પૂછી રહી હતી, અચાનક એણે કહ્યું, ‘આ પોલીસ કોને ઘેરીને લઇ આવે છે?’ હું હજી નજર ઠેરવું ત્યાં કરોડોને વાતોથી જીતનારી ઓપ્રાહ વિન્ફ્રે સાથે મારી આંખ મળી.
એક મિલિ સેકન્ડ માટે એ રોકાઇ, એણે કહ્યું, ‘યુ હેવ ધી મોસ્ટ બ્યૂટીફુલ હેર!’ એ ફ્રેમ ત્યાં જ જાણે ફ્રઝિ થઇ ગઇ. એ ક્ષણોમાં અમે એકબીજાને જોતા રહ્યા, પાછળથી અણધાર્યો ધસારો હતો. એ જુવાળમાં શબ્દો ઓગળી ગયા અને બસ ઓપ્રાહનું લાવ લશ્કર આગળ વધી ગયું. એ ક્ષણોની ઊર્જા હજી સુધી નવીનકોર ચોપડીના પહેલા પાના જેવી યથાવત્ છે.
ભૂલાયેલો રસ્તો મને જડી ગયો
આ જ રોમાંચ મને થયો જ્યારે બૂકર પ્રાઇઝ વિજેતા નાઇજીરીયન લેખક બેન ઓકરીએ સાહિત્ય અને કલાના સંબધની વાત કરતાં કહ્યું કે, ‘કલા સમજતા પહેલાં કલા બનવું પડે’. બેન ઓકરીને સાંભળીને મને તરત કલાપીની ઉક્તિ યાદ આવી, ‘સૌંદર્ય પામતા પહેલાં સુંદર બનવું પડે’. બે જુદા યુગના જુદા દેશના માણસો એક જ સંદેશો આપે, કેટલું અદ્ભુત કહેવાય! એક ભૂલાયેલો રસ્તો મને જડી ગયો એમ લાગ્યું.
એણે એમ પણ કહ્યું કે, ‘આપણે લખતા શીખવીએ છીએ તો વાંચતા કેમ નથી શીખવતા?’ ગેબ્રેઅલ ગાર્શિયા માર્કેઝની વન હન્ડ્રેડ યર્સ ઓફ સોલિટ્યૂડ, અરુણ જોશીની સ્ટ્રેન્જ કેઇસ ઓફ બિલી બશિ્ર્વાસ, ઇસાબેલ એલેન્ડેની હાઉસ ઓફ સ્પિરિટ્સ પુસ્તકો વાંચ્યા પછી જેમ જિંદગીમાં કશુંક ધરમૂળથી બદલાઇ જાય બસ એવું જ કશુંક ઓકરીની વાત સાંભળીને થયું, જાણે બધા આયામો ખૂલી ગયા અને મોકળાશ છવાઇ ગઇ. જેએલએફ તમને અજબ અનુભવ કરાવે એ ચોક્કસ.
અછાંદસ કવિતામાંથી ડોકિયા કરતા છંદ
જે જમૈકા કિનકેડને મેં ૨૫ વર્ષ પહેલાં વાંચ્યા હતા અને મારા બુક શેલ્ફ પર રહેતા ડેવિડ એર સાથે વાત કરવાનો મોકો અહીં જ મળી શક્યો. ઇંગ્લિશ પેશન્ટ ફિલ્મ જે સેઇમ ટાઇટલના પુસ્તક પરથી બની છે. તેના સર્જક માઇકલ ઓન્નાત્જે સાથે પણ સંવાદ શક્ય બન્યો કારણકે આ વિશ્વનો શ્રેષ્ઠ બુક ફેસ્ટ હતો. ક્રિકેટ અને ફિલ્મો સિવાય બીજે ક્યાંક અને એ પણ પુસ્તકો કે લેખકો માટે જબરદસ્ત ગ્લેમર હોઇ શકે છે એ સમજવું હોય તો જેએલએફનો અનુભવ લેવો રહ્યો.
ઓપ્રાહ સિવાય ચર્ચામાં રહેલા સલમાન રશ્દી ત્યાં ગેરહાજર રહીને પણ સતત હાજર રહ્યા. એમની શારીરિક ગેરહાજરીને જાવેદ અખ્તર અને ગુલઝારની કવિતાઓએ સરભર કરી દીધી. આ આખી ઘટના આનંદના એબસ્ટ્રેકટ રૂપ જેવી છે. આલા દરજજાના બે રચિયતાઓ પોતાના સર્જનો વાંચે સાથે અંગ્રેજીમાં સમજાવે જેથી વિદેશી દર્શકોને પણ એનો રસાસ્વાદ મળે તો એને અછાંદસ કવિતામાંથી ડોકિયા કરતા છંદ સાથે જ સરખાવવું પડે.
શબ્દોથી છલોછલ દિવસો
દરબાર હોલમાં થનારા મારા સેશનના ચેર હતા જાણીતા ડિઝાઈનર વેન્ડલ રોડ્રિકસ, અમારો થિમ હતો થિયેટર ઓફ ધી નોવેલ વિષય અંગે. મેં ભારતીય યહુદી સાહિત્યને સંદર્ભે કહ્યું કે વિદેશમાં જે યહુદી સાહિત્ય છે તેના કરતાં આ બહુ જુદું પડે છે. ભારતમાં યહુદીઓ સાથે ક્યાંય માઠું વર્તન નથી થયું, મારું શહેર અમદાવાદ મારું થિયેટર છે અને યહુદીઓની સિનેગોગ ગ્રીનરૂમની ગરજ સારે છે. અમદાવાદના સ્ટેજ પર ઉછરતા યહુદી પાત્રો મારી રચનાની ઇંટો છે. આ સંવાદ રસપ્રદ રહ્યો.
જેએલએફનો ભાગ હોવું એટલે ગિરીશ કનૉડ, દિપ્તી નવલ, શશી થરુર, શેખર કપુર જેવા દિગ્ગજો સાથે શબ્દોથી છલોછલ દિવસો પસાર કરવા. એકએક વ્યક્તિમાં નરી નમ્રતા, કોઇ વાડાબંધી નહીં. મને કેટલાય જૂના મિત્રો, પૂર્વ વિદ્યાર્થીઓ ત્યાં મળ્યા. ઇલા અરુણનો ઠસ્સો જોયો તો વાલ્મિક થાપર અને સંજના કપુરનું આંખે ઉડીને વળગે એવું યુગલ જોયું. ઇઝરાઇલી એમ્બેસેડરનાં પત્ની ઇન્બાહ ઉશપીઝ, કલ્ચરલ અટેચી હાના ઝાલિસ, ફ્રેન્ચ એમ્બેસીનાં બૂક અટેચી જુડિથ ઓરિઓલ સાથે સારી પેઠે સમય પસાર કર્યો. એ સેટ અપમાં બુક શોપ ફુલ સર્કલમાં પુસ્તકો પર હસ્તાક્ષર આપવાની રોમાંચ પણ સરસ રહ્યો.
કેફ ક્ષણ માટે પણ ન ઉતરે
હું ‘ફુડી’ છું એટલે એ તો ખાસ કહીશ કે પાંચ દિવસમાંથી એક પણ વાર ક્યાંય વેસ્ટર્ન ખાણું નથી પિરસાયું. બધું જ રાજસ્થાની, હાથે ઘડેલા રોટલા અને ગટ્ટે કી સબ્જી, કેર સાંગરી કી સબ્જી અને એવું કેટલુંય પાંચ દિવસની મજિલસમાં માણ્યું. પુષ્કર કી ચાય , મિર્ચી વડા અને સર્જનાત્મકતાનો કેફ ક્ષણ માટે પણ ન ઉતરે ત્યારે કેવું લાગે એ માણવા માટે પણ જેએલએફનો અનુભવ તો લેવો જ રહ્યો.