આણંદ શહેર સહિત જિલ્લામાં ત્રણ વર્ષમાં ૧૪૧ વ્યક્તિને બંધુક અને રિવોલ્વરનાં પરવાનાં ઈસ્યુ કરાયાં
આણંદ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી હથિયારના પરવાના માટેની અરજીનો ધસારો વધ્યો છે. પોલીસ કોન્સ્ટેબલથી લઈ રાજકારણી, સાધુ - સંતો, મહિલાઓ, કંપનીઓના અધિકારીઓ સૌ કોઈને સ્વરક્ષણ માટે હથિયારો જોઈએ. જિલ્લા કલેક્ટર કચેરીએથી ત્રણ વર્ષમાં કુલ ૧૪૧ જેટલા હથિયારી લાયન્સસ ઈસ્યુ કરાયાં છે. જે હથિયારનો ક્રેઝ ઉભો થયો હોવાની સાક્ષી પુરે છે.
આણંદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હથિયારી લાયસન્સના ફોર્મની જાણે ભારે માંગ ઉભી થઈ છે. દરરોજ એકાદ - બે વ્યક્તિ ફોર્મ માટે કલેક્ટર કચેરીએ આવી ચડે છે. આ અરજદારો પાસેથી ફોર્મ સ્વીકારયા બાદ પોલીસ, મામલતદાર સહિતના અભિપ્રાય બાદ જ તેમને હથિયાર રાખવાનો પરવાનો મળે છે. આમ છતાં પરવાના ઈસ્યુ થવાનું પ્રમાણ પણ વધ્યું છે. જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં રિવોલ્વરના ૫૬ અને બંધુકના ૮૫ જેટલા પરવાના ઈસ્યુ કરવામાં આવ્યાં છે.
જેમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈ રાજકીય અગ્રણી, સાધુ - સંતો, મહિલાઓનો પરવાના માટે કલેક્ટર કચેરીના ધક્કા ખાઈ રહ્યાં છે. જોકે, મહત્વની બાબત એ છે કે આ દોડમાં હવે વેપારીઓ પણ જોડાયા છે. આણંદ જિલ્લામાં બંધૂક કે રિવોલ્વર રાખવું એ જરૂરિયાત કરતાં ફેશન બની રહી હોય તેવું લાગી રહ્યું છે. કેટલાક વેપારીઓ પોતાની ખેતી લાયક જમીન બતાવી તેના પાક રક્ષણ માટે હથિયારી લાયસન્સ મેળવે છે.