’લાલબાગ ફાટક પાસે પાણીના નિકાલ માટે વરસાદી ગટર અને ચેમ્બર બનાવાશે
’ચોમાસામાં પાણીના નિકાલ માટે મશીનરી અને મેનપાવર તૈનાત રાખવાની ટકોર
વાવાઝોડા સાથે તૂટી પડેલા વરસાદના કારણે ભરાયેલા પાણીના કારણે સેવાસદનનની પ્રિમોન્સુનનું પોલ ઉઘાડંુ પડી ગયું હતું.આ સંજોગોનું પુનરાવર્તન ના થાય તે માટે મ્યુ.કમિશનરે ઇજનેરો અને અધિકારીઓની તાકીદની બેઠક કરીને નવા ખાડા ન ખોદાય તેની તકેદારી રાખવા ખાસ તાકીદ કરી હતી.
શહેરમાં બે દિવસથી સમી સાંજે વંટોળિયો ફુંકાતો હતો અને વરસાદ પડતો હતો. આ બે દિવસના વંટોળિયા સાથેના વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં . એટલું જ નહીં, સેવાસદન દ્વારા ચાલી રહેલાં કામોમાં હજી પણ ક્ષતિ હોવાનું પુરવાર થયું છે પ્રિ મોન્સૂનની કામગીરી માત્ર કાગળ ઉપર જ થઇ હોવાના આક્ષપને સમર્થન મળી રહ્યુંછે.
આ સંજોગોમાં, મ્યુ.કમિશનર મનોજકુમાર દાસે સેવાસદનના અધિકારીઓએ એન્જિનિયરોની બેઠક કરીને પ્રિમોન્સૂનની કામગીરીની ક્ષતિ બદલ ઝાટકણી કાઢી હતી.
એટલું જ નહીં, નવા ખાડા નહી ખોદવાનો આદેશ આપ્યો હતો. તેવી જ રીતે, લાલબાગ બ્રિજના નીચે પાણી ભરાવાથી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી લાલબાગ ફાટક સુધી જતાં શહેરીજનોને દોઢ થી બે કલાકનો સમય ગઈકાલે લાગ્યો હતો. જેથી, આ સમસ્યાનો નિવેડો લાવવા માટે ત્યાં વરસાદી ગટર અને ચેમ્બર બનાવવાની સૂચના આપવામાં આવી હતી.
તેવી જ રીતે, આવી કોઇ ઘટના સર્જાય તો તેના ઉકેલ માટે સમગ્ર શહેરમાં મશીનરી અને મેનપાવર તૈયાર રાખવાની પણ સૂચના આપી દેવામાં આવી હતી. આ સિવાય, જેસીબી,ટ્રેક્ટરથી સફાઇ કરવા, ડોર ટુ ડોરના ફેરા વધારવા, ગંદકીની તાબડતોબ સફાઇ કરાવવાની પણ ટકોર કરવામાં આવી હતી.