-બે કરોડના ખર્ચે ગિરિરાજધામ, શ્રી વિશ્રામ ઘાટ અને નાગદમન શ્રીનાથ ગૌ શાળાનું નિર્માણ
-શ્રી ગિરિરાજજીના કુંળવારાના મનોરથનું દર્શન તથા મહાપ્રસાદનું પણ આયોજન
ઠાસરા તાલુકાના ગળતેશ્વરમાં પુષ્ટિ પ્રભુધામ ૮૪ બેઠકજી સંકુલમાં નવનિર્મિત ગીરીરાજ ધામ, વિશ્રામઘાટ તેમજ નાગદમન શ્રીનાથ ગૌશાળાનો ઉદ્દઘાટન સમારંભ ૫મી ફેબ્રુઆરીએ યોજાશે. બપોરે ૩ કલાકે શ્રી વૈષ્ણવાચાર્ય ગો ૧૦૮ શ્રી ધ્રુમિલકુમારજી મહોદયના હસ્તે નવનિર્મિત ત્રણેય સંકુલોનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ દિવ્ય પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહેશે. ગળતેશ્વરમાં પુષ્ટિ પ્રભુધામ ૮૪ બેઠકજીનું સંકુલ આવેલું છે.
આ સંકુલમાં બે કરોડના ખર્ચે ગિરિરાજધામ, શ્રી વિશ્રામ ઘાટ અને નાગદમન શ્રીનાથ ગૌ શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ત્રણેય નવનિર્મિત સંકુલોનું ૫મી ફેબ્રુઆરીના રોજ રવિવારે બપોરે ૩થી ૬ કલાક દરમિયાન શ્રી વૈષ્ણવાચાર્ય ધ્રુમિલકુમારજી મહોદયના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. જેમાં ગિરિરાજધામમાં ગોવર્ધન લીલાની ઝાંખી, જ્યારે વિશ્રામઘાટમાં શ્રી યમુનાજીનું દિવ્ય સ્વરૂપ પધરાવાશે. શ્રીનાથજી ગૌશાળામાં ગાયોને ઠાકોરજીનો પ્રસાદ તેમજ ઘાસ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે શ્રી ગિરિરાજજીના કુંળવારાના મનોરથનું દર્શન તથા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.