ગાંધીનગરના માણસા તાલુકામાં આવેલા વિખ્યાત મહુડી ગામ ખાતે અને કલોલ તાલુકાના નારદીપુર ગામે ગ્રામહાટ ઊભી કરવાનું આયોજન પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરાયું છે. દરમિયાન ગાંધીનગર શહેરમાં તો માર્ગોનું નવીનીકરણ થઈ ગયું છે.
ત્યારે જિલ્લામાં આવેલા જુદા જુદા માર્ગોની સુધારણા અને મજબૂતીકરણ માટે તાજેતરમાં માર્ગ અને મકાન વિભાગે વધુ ૧૮ માર્ગોની સુધારણા માટે રૂ.૧૪ કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે, તો બીજી બાજુ જિલ્લા પંચાયત દ્વારા પણ ચારે તાલુકામાં માર્ગોનાં કામો માટે રૂ.૭.૩૦ કરોડના ખર્ચનું આયોજન કર્યું છે.
સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે જિલ્લાની માર્ગ અને મકાન વિભાગ શાખા દ્વારા ચારે તાલુકાઓ માટે માર્ગો સહિતનાં કામોના આયોજન કરવામાં આવ્યાં છે. તેમાં ગાંધીનગર તાલુકામાં રૂ.૨,૬૬,૧૦,૫૬૫, કલોલ તાલુકામાં રૂ.૨,૦૪,૧૦,૬૧૩, દહેગામ તાલુકામાં રૂ.૧,૮૭,૬૧,૧૨૯ અને માણસા તાલુકામાં રૂ.૧,૨૦,૩૬,૮૬૩ના ખર્ચનાં કામોનો સમાવેશ થાય છે.
ગાંધીનગર તાલુકાના રસ્તાનાં અનેકવિધ કામો હાથ ધરવામાં આવશે. તેમાં વિશેષરૂપે ગિયોડથી વાસણા ચૌધરી અને અમિયાપુરના તપોવન સંસ્કાર તીર્થ એપ્રોચ રોડને ગાંધીનગર-સાબરમતી રોડ સાથે જોડવાના મહત્વનાં કામો છે. જ્યારે માણસા તાલુકામાં ખરણા એપ્રોચ રોડ, દહેગામ તાલુકામાં નાની માછંગ એપ્રોચ રોડનો સમાવેશ
થાય છે.
ઇજનેરી સૂત્રોએ કહ્યું કે, ચારે તાલુકામાં માર્ગોનાં કામ ઉપરાંત માણસા તાલુકાના મહુડી ગામે અને કલોલ તાલુકાના નારદીપુર ગામે તમામ સુવિધાઓથી સજ્જ ગ્રામહાટ વિકસાવાશે. જ્યારે ગાંધીનગર તાલુકાના મોટી આદરજ ખાતે પશુ દવાખાનાના મકાન અને કલોલ તાલુકાના રામનગર ગામે કોમ્યુનિટી હોલના બાંધકામ તથા વિકાસનાં કામો હાથ ધરવામાં આવશે. આ તમામ કામો ચોમાસું ઉતરતાની સાથે જ ચાલુ કરીને છ મહિનામાં પૂરા કરી દેવાની ગણતરી રાખવામાં આવી છે.