ઠંડીને કારણે ફૂલોનો માલ ઓછો અને માંગ વધારેની સ્થિતિમાં લાલ ગુલાબની કિંમતો વધશે
વેલેન્ટાઇન્સ ડે આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગિફટ્સ,ચોકલ,ટેડીબેર્સની ખરીદી મોટા પાયે વધી ગઇ છે, પણ પ્રેમના તહેવારમાં સૌથી વધારે તો ફૂલો જ વેચાય છે અને એ પણ રેડ રોઝિસ તો ખાસ. તાજેતરમાં જ થયેલા એક સર્વે મુજબ ફ્લાવર ઇન્ડસ્ટ્રી વર્ષે ૩૦ ટકાના દરે વધી રહી છે. શહેરમાં ફ્લાવર બિઝનેસ સાથે સંકળાયેલાઓને મતે વેલેન્ટાઇન્સ ડેમાં જ ૬૦ ટકા જેટલું વેચાણ વધી જાય છે, જેમાં સૌથી વધુ વેચાણ ગુલાબનું થાય તે સ્વાભાવિક છે.
એસોચેમ ઇન્ડિયાના એક સર્વે મુજબ દેશની ફ્લોરીકલ્ચર ઇન્ડસ્ટ્રી જે હાલમાં ૩૭૦૦ કરોડ જેટલી છે તે વધીને ૨૦૧૨માં રૂ.૮૦૦૦ કરોડ જેટલી થઇ જશે. ફ્લોરલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા એક્સપટ્ર્સના મતે માત્ર ફેબ્રુઆરી મહિનામાં જ રેવન્યૂમાં ૩૦થી ૩પ ટકા જેટલો વધારો થઇ જતો હોય છે.
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી ફ્લાવર શોપ રામી ફ્લાવર્સના માલિક સમીર રામીએ જણાવ્યું કે,‘ગુલાબના ભાવમાં ૪૦થી પ૦ ટકા જેટલો ફરક પડી જાય છે. ઠંડીને કારણે આ સિઝનમાં ફૂલો ઓછાં થયા છે એટલે ગુલાબના ભાવ ૧પ-૨૦થી વધીને ૪૦કે ૬૦ સુધી જવાની શક્યતા છે. લોકો મોંઘા બૂકેઝ પણ તૈયાર કરાવે છે. જેમાં પણ અનેક વેરાયટી હોય છે. આ એક દિવસે હોમ ડિલિવરીના ઓર્ડર્સ જે સામાન્ય દિવસોમાં ૪૦ જેટલા હોય છે એ વધીને દોઢસોની ઉપર જતાં રહે છે.
સ્પેશ્યલ ડિમાન્ડઝમાં માત્ર ગુલાબના બૂકેઝની માંગ વધુ હોય છે.’ તેમની પાસે હોમ ડિલિવરીમાં માત્ર બૂકે નહીં પણ સાથે કાર્ડ્ઝ, કેક, ટેડીબેર, ચોકલેટ્સ વગેરે મોકલવાની સ્પેશ્યલ સર્વિસની પણ ડિમાન્ડ કરાય છે. બગીચાઓ, સ્કૂલ, કોલેજીઝ, સંસ્થાનો વગેરેની આસપાસ સિંગલ રોઝની માંગ ખૂબ રહે છે.જજીઝ બંગલો વિસ્તારના કોમર્સના વિદ્યાર્થી પલ્લવ જોશીએ પોતાની ગર્લફ્રેન્ડને ગયા વર્ષે વેલેન્ટાઇન્સના દિવસે પ્રપોઝ કર્યું, ત્યારે એણે લાલ ગુલાબની જ મદદ લીધી હતી. તે કહે છે, ‘એ હોસ્ટેલમાં રહે છે એટલે એની ફ્રેન્ડને કહીને એના રૂમની બહાર એક લાલ ગુલાબ મૂકાવ્યું. એના ટૂ વ્હીલર પર પણ રોઝ હતું, કેમ્પસમાં આવી ત્યારે એ જ્યાં હંમેશા ફ્રેન્ડઝ સાથે બેસે છે ત્યાં પ૦ લાલ ગુલાબના બૂકે સાથે કાર્ડ મૂક્યું હતું, એ દિવસે એણે મારું પ્રપોઝલ સ્વીકારી લીધું.’
નવરંગપુરાના ઓર્કિડ ફ્લોરિસ્ટના અંકિત રામીના મતે આ વેલેન્ટાઇન્સ ડે મંગળવારે હોવાથી વધારે ફૂલો વેચાશે. એમણે કહ્યું કે, ‘રવિવાર હોય તો યંગસ્ટર્સને બહાર નીકળવા બહાના શોધવા પડે પણ કોલેજી, ટ્યૂશન્સ બધું મંગળવારે તો ચાલુ હોય છે. આમ રજાનો દિવસ નહીં હોવાથી યંગસ્ટર્સ પૂરેપૂરી ઉજાણી કરશે. આ વખતે ભાવ વધારો ચોક્કસ રહેશે કારણ કે શહેરમાં ફ્લાવર્સનો માલ ઓછો આવ્યો છે. સીઝનમાં ૨૦ લાલ ગુલાબ ૧૦૦ રૂપિયામાં વેચાતા હોય છે, જ્યારે વેલેન્ટાઇન્સમાં એ બન્ચનો ભાવ રૂ.૨પ૦નો થઇ જાય. કેટલાક લોકો સ્પેશિયલ વ્યક્તિ માટે પાંચસો રૂપિયાથી માંડીને પાંચ હજાર સુધીના બૂકે બનાવવાના ઓર્ડર પણ
આપે છે. ’
૫૦,૦૦૦નો બુકે!
શહેરના અનેક ફ્લોરિસ્ટ હોમ ડિલિવરીની વ્યવસ્થા રાખે છે, જેનો ભાવ ફ્લાવર શોપથી વિસ્તારના અંતરને આધારે નક્કી થતો હોય છે. ફ્લાવર શોપમાં મોંઘામાં મોંઘા ફૂલો મળતા હોવા છતાં મોટાભાગના લોકોને લાલ ગુલાબના બૂકેમાં જ રસ પડે છે. કેટલાક લોકો સ્પેશ્યલ વ્યક્તિ માટે છ ફૂટથી માંડીને દસ ફૂટના મોટા બૂકે તૈયાર કરાવે છે જેની કિંમત ચાળીસથી પચાસ હજાર હોઇ શકે છે. આ બૂકેમાં ગુલાબની સાથે કાર્નિશ્યિયન્સ, લિલિયમ્સ, ઓર્કિડઝ વગેરે પણ ગોઠવવામાં આવે છે.