ચિત્તભ્રમ થતાં મોદી લવારો કરે છે: વાઘેલા

કેન્દ્ર સરકારની કપાસ નિકાસબંધીથી ગુજરાતના ખેડૂતોને ૧ હજાર કરોડના નુકસાનની ગુજરાત સરકારની જાહેરખબરને કોંગ્રેસ કેમ્પેઈન કમિટીના ચેરમેન શંકરસિંહ વાઘેલાએ કસમયની, તદ્દન હંબગ, ગપ્પું ગણાવી આકરી આલોચના કરી મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીચિત્તભ્રમ થઈ ગયા હોવાથી આવી હલકી ભાષાનો લવારો કરી રહ્યા હોવાનું જણાવ્યું છે.
મુખ્ય સચિવ સહિતના આઈએએસ અધિકારીઓ સરકારના આ જુઠ્ઠાણાં તૈયાર કરી રહ્યા છે તેમણે સમજી લેવું જોઈએ કે બે મહિના પછી ગાંધીનગરમાં કોંગ્રેસની સરકાર રચાશે ત્યારે નકલી એન્કાઉન્ટરમાં સાથ આપનારા આઈપીએસ અધિકારીઓની જેમ આ સનદી અધિકારીઓના ગળામાં પણ ફાંસો આવશે તેવી ચેતવણી વાઘેલાએ ઉચ્ચારી છે. મતની લાલચમાં મોદી શકુનિની જેમ અસત્યનો આશરો લઈ રહ્યા છે તેવો આક્ષેપ વાઘેલાએ કર્યો છે.
વાઘેલાએ પડકાર ફેંકયો કે,મોદીએ તેમના ૧૨ વર્ષના શાસનમાં ખેડૂતોને એક પણ રૂપિયાની મદદ કરી હોય તો બતાવે. અત્યારે કપાસના ઉત્પાદનની મોસમ નથી ત્યારે ચૂંટણી સમયે હલકી ભાષામાં જુના મુદ્દાની જાહેરખબર આપવાનો કોઈ મતલબ નથી.
શંકરસિંહના આક્ષેપો :
- ખેડૂતોની બૂમ સમગ્ર દેશમાંથી ઊઠે, ગુજરાતમાંથી જ નહીં
- ગુજરાતની વસ્ત્રનીતિ કેન્દ્રીય નીતિની નકલ, પૈસો વાપરવો ન પડે તેવી અક્કલ વાપરી છે.
- કેન્દ્રએ ખેડૂતોને માન આપ્યું તેનો એક ટકો સન્માન ગુજરાતે આપ્યું નથી
- કપાસની નિકાસ થશે તો ૫ ‘એફ’નો (ફાઈબરથી ફોરેન) શું મતલબ ?
- જે ગામમાં યુવાન ખેડૂતે આપઘાત કર્યો હતો ત્યાં ભાજપના પ્રધાન ‘મિષ્ટાન્ન’ જમ્યા
- મોદી કાલ્પનિક વાતોને માત્ર ભાષાના કપડાં પહેરાવી રહ્યા છે.






