- બીજા દિવસે પણ વરસાદનો કેર
- સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ
- સૂસવાટાભર્યા પવન અને કરા સાથે વરસાદની આગાહી
- રાજકોટનો ન્યારી અને આજી ડેમ છલકાવાની તૈયારીમાં
રાજ્યભરમાં મંગળવારે પણ ભરશિયાળે કમોસમી વરસાદનો કેર જારી રહેતાં સમગ્ર ગુજરાત ઠંડુંગાર થઇ ગયું હતું. બીજી તરફ કૃષિક્ષેત્રે પણ અસાધારણ નુકસાન થવા પામ્યું છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગમાં ભારે ઝાપટાં સાથે એક ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
વરસાદ સાથે આજે રાજ્યના તાપમાનમાં અચાનક ભારે ઘટાડો પણ નોંધાયો હતો. એક સાથે બે ઋતુનો અનુભવ થતાં રાજ્યનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. સવારે શાળાએ જતાં વિદ્યાર્થીઓથી લઇને લોકો પરેશાન થઇ જવા પામ્યા હતા. દરમિયાન હવામાનખાતાએ આગાહી કરી હતી કે આવતા ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ૪૦થી ૫૦ કિલોમીટરની ઝડપે પવનની સાથે ભારે વરસાદ અથવા બરફના કરા પડી શકે છે. સાથે સાથે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપી છે.
મંગળવારે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદે પોતાની સવારી ચાલુ રાખી હતી. જુનાગઢ જિલ્લાનાં ભેંસાણામાં ૩.૫ ઇંચ વિસાવદરમાં બે, વાંકાનેર,માળિયા હાટીના અને વેરાવળમાં ૧.૫ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે પોરબંદર અને જામનગર જિલ્લામાં ભારે ઝાપટાંથી માંડી એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉત્તર ગુજરાતમાં ભારે કમોસમી વરસાદનું પગરણ થયું હતું. બનાસકાંઠાના વાવમાં સૌથી વધારે ૩ ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ડીસા અને દાંતીવાડામાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. મધ્ય ગુજરાતમાં વડોદરા, સાવલી, પાદરા, સંખેડા ,આણંદ અને નડિયાદ જિલ્લાના વિવિધ ભાગમાં એક ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. ખંભાતમાં કરા પડ્યા હતા. શિયાળે કમોસમી વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ નદીમાં પૂર આવી ગયું હતું. નદીના પાણીએ અનેક જગ્યાએ ખેતીની જમીન ધોઇ નાંખી હતી. આ કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સતત વરસાદના કારણે રાજકોટમાં ન્યારી અને આજી ડેમમાં પાણીની નવી આવક શરૂ થતા ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. અમરેલીનો મુંજિયાસર ડેમ છલોછલ થઇ જવા પામ્યો છે.
રાજ્યમાં વરસાદ સાથે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો હતો. રાજ્યમાં શહેરોનું સરેરાશ તાપમાન ૨૧ ડિગ્રીની નીચે ચાલ્યું ગયું હતું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન અમરેલીમાં ૧૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ઇડર અને અમદાવાદનું તાપમાન ૧૬. ૩ અને ૧૬.૭ ડિગ્રી જેટલું ભારે નીચું જોવા મળ્યું હતું. ગાંધીનગર, વિદ્યાનગર, ભુજમાં આજે સત્તર ડિગ્રી કરતાં ઓછું તાપમાન જોવા મળ્યું હતું. ભારે ઠંડીને કારણે રાજ્યભરમાં લોકો ઠૂંઠવાયા હતા. અચાનક આવી પડેલી શિતલહેરે તમામને રેઇનકોટ કે સ્વેટર પહેરવાની ફરજ પાડી હતી.
સતત વરસી રહેલા વરસાદને કારણે રાજ્યમાં આજે ખેતીમાં ભારે નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકને ૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. હાલ શિયાળુ પાકની વાવણીની સિઝન છે. ઘઉં, ડાંગર, રાઇ, જીરું, તુવેર, મગ વગેરેનું વાવેતર હજુ બાકી છે. જો થોડા દિવસમાં આ વરસાદ બંધ નહીં થાય તો ચાલુ વર્ષે લોકોએ આ બધા રેગ્યુલર શિયાળુ પાકને બદલે બીજા કોઇ પાક તરફ નજર દોડાવવી પડે તેવી સ્થિતિ કૃષિ વૈજ્ઞાનિકો જોઇ રહ્યા છે.
>>