લીમખેડા તાલુકાના જેતપુર(દુ) મુકામે રહેતી પંદર વર્ષીય સગીરાની એકલતાનો લાભ લઇ કુટુંબી કાકાએ જ બળાત્કાર ગુજારી માસુમ ભત્રીજીને પીંખી નાખી હતી. બનાવ સંદર્ભે બળાત્કારનો ભોગ બનનાર સગીરાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ફરિયાદ નોંધવાનો ધરાર ઇન્કાર કરી દીધો હતો. જેથી સગીરાએ દાહોદ જિલ્લા પોલીસવડાને રૂબરૂ ફરિયાદ કરી હતી. ત્યારે જિલ્લા પોલીસ વડાએ પણ આશ્વાસન આપી રવાના કર્યા હતા.
લીમખેડાના જેતપુર(દુ) ગામની પંદર વર્ષીય સગીરાના માતા પિતા વડોદરા મુકામે મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સગીરા તેની દાદીના ઘરે દત્તક પુત્રી તરીકે રહે છે. ગત ૩૧જાન્યુ.ના રોજ સગીરા તથા તેના ભાઇ-બહેન ઘર આંગણામાં સૂતા હતા. ત્યારે સગીરાના કુટુંબી કાકા સરદારસિંહના શરીરમાં વાસનાનો કીડો સળવળતાં તેણે તેની ભત્રીજી ઉપર જ પોતાની દાનત બગાડી હતી. સગીરા કંઇ પણ બોલે તે પહેલાં તેનું મોઢું દબાવી નરાધમ કાકાએ તેના પર બળાત્કાર ગુજૉયો હતો. ત્યાર બાદ તેને મારી નાખવાની ધમકી આપતાં તે ડરી જઇ રાતભર સુઇ રહી હતી.
બનાવ સંદર્ભે સગીરાના માતા પિતાને જાણ થતાં તેઓ પણ વડોદરાથી મજૂરીકામ છોડી દોડી આવ્યા હતા. ત્યાર બાદ તેમણે તેમની પુત્રીને લઇ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ કરવા આવ્યા હતા. પરંતુ ફરજ ઉપરના અધિકારીએ આઠ કલાક સુધી બેસાડી રાખ્યા હતા. તેમજ સગીરાને ફરિયાદ નહિ કરવા માટે ડરાવી હતી. જેથી સગીરાએ ન્યાય મળે અને દાહોદ જિલ્લા પોલીસ વડાને તથા મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી.
હાલસ્પર્શી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરાશે
આ બાબતે જિલ્લા પોલીસ વડા નિપૂણા તોરવણે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે આ બનાવની તલસ્પર્શી તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.