-ઉત્તરાખંડના હરિદ્વારથી ચોરાયેલી કાર ઉમરેઠમાંથી મળતા ચકચાર
-કારમાંથી બે નંબર પ્લેટ મળી આવતાં મામલો ગંભીર બન્યો
આણંદ જિલ્લાના ઉમરેઠ નગરમાં આવેલી સૈફુલ્લા બાવાની દરગાહ પાસે ગુરૂવારના રોજ એક બિનવારસી કાર મળી આવી હતી. પોલીસ તપાસમાં આ કાર ઉત્તરાખંડનાં હરિદ્વારથી ચોરાઈ હોવાનું ખૂલ્યું હતું. જોકે, આ કારમાં બે નંબર પ્લેટ હોવાથી પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ઉમરેઠ નગરની સૈફુલ્લા બાવાની દરગાહ પાસે સફારી કાર નંબર પ્લેટ વગરની બિનવારસી મળી હતી. લાંબા સમયથી પડેલી આ કાર અંગે સ્થાનિક ઈરફાનમીયાં ઠાકોરે પોલીસને જાણ કરતાં પોલીસ સબઇન્સપેક્ટર વી.બી. જાની સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાર કબજે લઈ તેની તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં કારની અંદરથી યુકે-૦૮-યુ-૩૫૫૩ અને જીજે-૧૭-એન-૩૬૦૦ નંબર પ્લેટ મળી આવતા મામલો ગંભીર બની ગયો હતો. સઘન તપાસ હાથ ધરાતાં આખરે આ કાર ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના રૂડકી પોલીસ હદમાંથી ચોરી થઈ હોવાનું ખૂલ્યું હતું. આ અંગેનો મેસેજ કરતાં શુક્રવારે હરિદ્વારની પોલીસ ઉમરેઠ પહોંચી હતી અને કારનો કબજો લીધો હતો.
આ અંગે પોલીસ સબ ઇન્સપેક્ટર વી.બી. જાનીએ જણાવ્યું હતું કે ‘હરિદ્વારના સોહદપુર રોડ પરથી તા.૧૬મી જાન્યુઆરીના રોજ સવારે આ કાર ચોરાઈ હતી. કાર માલિક રાવસદાકતહુસેન હાજીરાવ શરાફતઅલી (રહે. તિરાન ખલીયાન)ની હતી અને તેમનાં જ નોકર અસલમ હાજીઅબ્દુલ કરીમ (રહે.વડોદરા) અને બિલાલ હાજીફારૂક (રહે.કસ્બા, છપરૌલી, ઉત્તરપ્રદેશ)એ ચોરી કરતાં રૂડકી પોલીસે ગુનો નોંધ્યો હતો. આ બન્ને ચોર કારને ગુજરાત સુધી લાવવા માટે તેની નંબર પ્લેટ વચ્ચે જ ક્યાંક બદલી હતી. હાલ આ ગઠિયાઓની શોધખોળ ઉત્તરાખંડ પોલીસ કરી રહી છે. જે પકડાયા બાદ વિગતો ખુલશે.’
અકસ્માતગ્રસ્ત કારે અનેક ભેદભરમ ઊભા કર્યા
સૈફુલ્લાબાવાની દરગાહ પાસે મળેલી ઉત્તરાખંડની કાર અકસ્માતગ્રસ્ત હતી. પરિણામે આ બાબત પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો હતો. ઉત્તરાખંડથી ગુજરાત સુધી પહોંચવામાં વચ્ચે અન્ય કેટલાક રાજ્યો પણ પસાર કરવા પડે. સામાન્ય કિસ્સામાં અકસ્માત થયો હતો કે કોઈ સ્થળે ગુનાહિત પ્રવૃત્તિમાં આ કાર વપરાઈ છે, તે બાબત ચોર પકડાયા બાદ જ જાણી શકાય, એવું પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.
કારમાં ઉમરેઠ કોણ આવ્યું?
આણંદ જિલ્લા સહિત ચરોતરમાં વિવિધ લૂંટ, હત્યા, ચોરીમાં પરપ્રાંતની ગેંગ અવાર નવાર પકડાય છે, ત્યારે ઉમરેઠ નજીક મળેલી ઉત્તરાખંડની બિનવારસી કારે કેટલાક પ્રશ્નો ઊભા કર્યા છે. આ કારનો ઉપયોગ કોઈ ખાસ ગેંગે ગુજરાત સુધી પહોંચવામાં કર્યો હતો, ગુજરાત સુધી પહોંચ્યા બાદ તેને બિનવારસી છોડી દઈ ક્યાંક બીજી કોઈ લૂંટ કે ગુનાહિત પ્રવૃત્તિ માટે પ્લાન તો ઘડાઈ નથી રહ્યો ને, શું નક્સલવાદીઓએ તેનો ઉપયોગ કર્યો હતો વગેરે અનેક પ્રશ્નો ચર્ચાના ચગડોળે ચડ્યાં હતાં. જોકે, આ અંગે તપાસ અધિકારીએ ચિંતાનો વિષય ન હોવાનું પણ જણાવ્યું હતું.