માતાજી અને બળિયાદેવ આવતા હોવાનું કહીને ધૂતી લેવાનો કારસો રચ્યો હતો
પાટનગરમાં ઘરફોડીયા તસ્કરો અને નકલી પોલીસ પછી હવે ગઠિયા મેદાને ઉતર્યા છે. સેકટર-૨૦માં માતાજી અને બળિયાદેવ આવતા હોવાનું કહીને ધૂણવા લાગેલી બે મહિલાએ માહિતી ખાતાના કર્મચારીની પત્નીને લાલચમાં લપેટયા પછી રૂ.૨.૨પ લાખની રકમ હાથવગી કરીને ચાલતી પકડી લીધી હતી. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સેકટર-૨૦માં છ-પ્રકારના સરકારી આવાસ નં.૮૧/૩માં રહેતા પુષ્પાબેન ભીખાભાઇ રાઠોડ નામના મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ૪૦ અને પ૦ વર્ષની બે અજાણી સ્ત્રીઓને દર્શાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા.૮મીના સાંજે પાંચ વાગ્યાના અરસામાં તે ઘરના ફળિયામાં બેઠી હતી ત્યારે આરોપી સ્ત્રીઓ તેની પાસે આવી હતી અને આટલામાં ક્યાંય બ્યુટી પાર્લર છે કે, નહીં તેવી પૂછપરછ કરવા સાથે ફરિયાદી મહિલા પાસે બેસી ગઇ હતી. દરમિયાન એક સ્ત્રીએ બાથરૂમ જવું છે તેમ કહેતા ફરિયાદીએ તેને પોતાના ઘરમાં જવા દીધી હતી. બહાર આવીને આ સ્ત્રી ધૂણવા લાગી હતી.
દરમિયાન બીજી સ્ત્રીએ પુષ્પાબેનને કહ્યું હતું કે, તેને જોગણી માતા, મેલડી માતા અને બળિયાદેવનો પવન આવે છે. તમારે જે કામ હોય તે અત્યાર કરી આપશે અને પલકારામાં પૈસા ડબલ કરી આપશે. તમારે નાણાં ડબલ કરવા હોય તો અત્યારે આપી દો. લાલચમાં આવી ગયેલા પુષ્પાબેને ઘરમાં જઇને તિજોરીમાંથી રૂ.૨.૨પ લાખ કાઢી આપ્યા હતાં. આ બન્ને સ્ત્રીઓ નાણાં થેલીમાં મૂકીને ઘરમાં મંદિર પાસે રાખી દેવા કહ્યું હતું. ત્યારબાદ જણાવ્યું હતું કે, પૈસાની થેલી લઇને તમારી દીકરીને અમારી સાથે મોકલી આપો સાંજે ૭ વાગે તે ડબલ પૈસા લઇને ઘેર આવશે.
બન્ને સ્ત્રીઓની નાણાં ડબલ કરી આપવાની લાલચમાં લપેટાઇ ગયેલા પુષ્પાબેને તેની દિકરી હેતલને આરોપી સ્ત્રીઓ સાથે નાણાંની થેલી સાથે મોકલી આપી હતી અને થોડીવારમાં તે પરત આવી હતી. તેણે કહ્યું કે, બન્ને સ્ત્રીએ તેને ઘરમાં કંકુની ઢગલી થઇ છે કે, નહીં તે જોવા મોકલી હતી. આ સાથે પુષ્પાબેનને પોતે લૂંટાઇ ગયાનો અહેસાસ થઇ ગયો હતો. તેણે તુરંત પોતાના પતિને જાણ કરી હતી. તથા બન્ને સ્ત્રીઓને શોધવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ ત્યારે મોડું થઇ ગયું હતું. આ બનાવ બારામાં સેકટર-૨૧ પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર વી.એલ.ચાવડાએ તપાસ શરૂ કરી છે.