દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાંથી એક્ટિવા સ્કૂટરની ચોરીના ગુનામાં પોલીસે બે લબરમૂછિયાની ધરપકડ કરી છે. આ લબરમૂછિયાઓ પૈકીનો એક મોપેડ અને બાઇકની ચોરીમાં ત્રીજી વખત પકડાયો છે. પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમણે શહેરમાંથી વધુ કેટલાં વાહનો ઉઠાવ્યા છે તેની પૂછપરછ હાથ ધરી છે.
પ્રાપ્તજાણકારી અનુસાર દાહોદમાં ગોદીરોડ પર આવેલા મારૂતિ કોમ્પલેક્ષમાં રહેતાં ચંદ્રપ્રકાશ તોલારામ ધમૉણીએ તેમનું એક્ટિવા પોતાના ઘર આગળ પાર્ક કર્યું હતું. આ ૪૫ હજાર રૂપિયાની કિંમતનું એક્ટિવા સ્કૂટર કોઇ ગઠિયો ઉઠાવી જતાં શહેર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ હતી. આ સંદર્ભે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરતાં શહેર નજીક આવેલા સાકરદા ગામના તળ ફળિયામાં રહેતાં સોનુ ઉર્ફે રામકુમાર કિશોર ગીધવાણી પાસેથી સ્કૂટર મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન સોનુએ જણાવ્યું હતું કે, એક્ટિવાનું લોક દાહોદની સુખદેવકાકા સોસાયટીમાં રહેતાં મુકેશ સુકરામ સોલંકીએ ખોલી આપ્યું હતું. તેના આધારે પોલીસે મુકેશની પણ ધરપકડ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરના સ્ટેશન રોડથી ચોરાયેલી બાઇક સાથે અને ત્યાર બાદ એક સ્કૂટી ચોરીને તેના સ્પેરપાર્ટ્સ જુદા કરીને ભંગારિયાને ત્યાં વેચવા જતાં સોનુની પોલીસે ધરપકડ કરી હતી. લબરમૂછિયા સોનુના જણાવ્યા અનુસાર તેને બાઇક ચલાવતાં આવડતી ન હોવાથી તે મોપેડ ને સ્કૂટર જ ચોરતો હતો. પોલીસે સોનુની વધુ પૂછપરછ હાથ ધરી છે.
૯૦૦ રૂપિયામાં સ્કૂટી વેચી દેતો
સોનુએ જણાવ્યું હતું કે, ગ્રાહક મળે તો ૯૦૦ રૂપિયાની કિંમતમાં તે ચોરેલી સ્કૂટી વેચી દેતો હતો. આ એક્ટિવા લેનાર કોઇ મળ્યો ન હતો. આખી ગાડી કોઇ ન ખરીદે તો તેને ખોલાવીને પાટ્ર્સ ભંગારમાં વેચી દેતો હતો. હોટલ અથવા બીજા સ્થળે કામ કરતો સોનુ આ ચોરી તે માત્ર પોતાના મોજશોખ માટે જ કરતો હતો.