મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જાહેર કાર્યક્રમોમાં પ્રાપ્ત થતી ભેટ-સોગાદોની અમદાવાદમાં જાહેર હરાજી યોજાઈ હતી.જેમાં આ ભેટ-સોગાદોના વેચાણથી રૂપિયા ૨.૦૪ કરોડની આવક થઈ છે.મુખ્યમંત્રીને મળેલી ૧૩૯૯ જેટલી ભેટ-સોગાદોની રૂપિયા ૪૧.૬૦ લાખની નક્કી કરાયેલી ઓફસેટ કિંમતની સામે ૨.૦૪ કરોડની આવક થઈ છે.આ હરાજીમાં રૂપિયા ૪૧ હજારની ઓફસેટ કિંમત ધરાવતાં મુખ્યમંત્રીના મહાત્મા મંદિર સાથેના તાજેતરના ફોટા માટે સૌથી વધુ ૨,પ૧,૦૦૦ની કિંમત પ્રાપ્ત થઈ છે.
આ રીતે હરાજીથી વેચાણમાંથી પ્રાપ્ત થયેલી તમામ રકમ મુખ્યમંત્રી દ્વારા કન્યા કેળવણી નિધિમાં જમા કરાવાશે. અમદાવાદ જિલ્લા કલેક્ટર વિજય નહેરાએ આ માહિતી આપતાં કહ્યું હતું કે અમદાવાદમાં રવિશંકર રાવલ કલા ભવન ખાતે ૨૭થી ૨૯મી જાન્યુઆરી દરમિયાન મુખ્યમંત્રીના તોષાખાનામાં જમા કરાવાયેલી ભેટ-સોગાદો હરાજીથી વેચાણ કરવામાં આવી હતી.જેમાં નાગરિકો દ્વારા મોટાપાયે બોલીઓ બોલવામાંઆવી હતી અને આવા કુલ ૨૨પપ જેટલા ફોર્મ ભરાયા હતા.