ગાંધીનગર પાસે આવેલા રાંધેજા ગામમાં પરણાવેલી રૂપાલ ગામની પરિણીતા બે દિવસ પહેલાં રૂપાલ પિયર આવતી હતી ત્યારે ગામમાં જ રહેતા મયૂર પટેલ અને બિપીન પટેલે ગામમાં ઉતારી દેવાનું કહીને ઉઠાવી ગયા હતા.
પરિણીતા પર આબુની હોટેલમાં બળાત્કાર કર્યો હતો અને આજે પાછા ઉતારવા આવતી વખતે સાસરિયાંઓ જોઈ ગયાં હતાં. પેથાપુર પોલીસે રૂપાલ ગામના આ બંને યુવાનોની બળાત્કારના ગુનામાં ધરપકડ કરી હતી.
ગાંધીનગર પાસે આવેલા રાંધેજાની પરિણીતા બે દિવસ પહેલાં રૂપાલ પિયરમાં આવી રહી હતી ત્યારે રસ્તામાં મયૂર મનુ પટેલ અને બિપીન મુકેશ પટેલ મળ્યા હતા. આ બંને યુવાનોએ પરિણીતાને ગામમાં ઉતારી દેવાનું કહીને તેને ઉઠાવી ગયા હતા.
રૂપાલથી રાધનપુર બાઇક પર ગયા બાદ બંને યુવાનો પરિણીતાને રાધનપુરથી ખાનગી વાહન ભાડે કરી આબુ લઈ ગયા હતા, જ્યાં હોટેલમાં મયૂર મનુ પટેલે પરિણીતા પર બળાત્કાર કર્યો હતો, જ્યારે બિપીન મુકેશ પટેલને ચોકીદારની ફરજ અદા કરવી પડી હતી.
આજે મયૂર પટેલ અને બિપીન પટેલ પરિણીતાને ઉતારવા માટે રૂપાલ આવ્યા હતા. બે દિવસથી ગુમ પરિણીતાને સાસરિયાં અને પિયર પક્ષના લોકો શોધખોળ કરી રહ્યાં હતાં. પરિણીતાને ઉતારી જતાં ગામના બે યુવાનોને પકડી લીધા હતા.
બંને પક્ષો વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી, પરંતુ મયૂર પટેલ અને બિપીન પટેલ ભાગી ગયા હતા. બીજી બાજુ આ બનાવ અંગે પરિણીતાએ પોલીસમાં બંને યુવાનો વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપતાં પેથાપુર પીએસઆઇ વી.જી. રાઠોડ અને તેમના સ્ટાફના માણસોએ મયૂર પટેલ અને બિપીન પટેલની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર બળાત્કારનો ભોગ બનનાર પરિણીતાને બે મોટાં બાળકો છે. આજે પરિણીતા અને બે બળાત્કારીઓની સિવિલમાં મેડિકલ તપાસ પણ કરવામાં આવી હતી.