-ઠાસરાના બાધરપુરા પાસે ટ્રીપલ અકસ્માતમાં બેનાં મોત, ૧૫ને ઈજા
-બાધરપુરા પાટિયા નજીક ગુરુવારે મોડી રાતે બસ, ટ્રક અને તુફાન ગાડી વચ્ચે થયેલાં ટ્રીપલ અકસ્માતમાં બેનાં મોત
ઠાસરા-ડાકોર રોડ પર આવેલા બાધરપુરા પાટિયા નજીક ગતરાત્રિના એસટી બસ, ટ્રક અને તુફાન ગાડી વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે ૧૫ મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલાં શ્રમજીવીઓને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં એક ગર્ભવતી મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવ સંદર્ભે ઠાસરા પોલીસે ટ્રકચાલક તેમજ તુફાન ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર, મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના આદિવાસી શ્રમજીવીઓ ગુરૂવારે તુફાન ગાડીમાં બેસી ગોંડલ મજુરી અર્થે જઈ રહ્યા હતા. તેઓની ગાડી ઠાસરા તાલુકાના બાધરપુરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ચાલકે ગોધરાથી સોમનાથ જતી એસટી બસ નં.જી.જે.૧૮.વાય-૬૨૮૯ની ઓવરટેક કરવા જતાં સામેથી આવતી ટ્રક નં.જી.જે.૪.એક્સ-૬૪૬૭ સાથે ધડાકાભેર અથડાવી હતી. આ ઘટનામાં તુફાન ગાડી ઉપરાછાપરી બે વખત પલટી થઈ રોડની ગટરમાં ખાબકી હતી. ધડાકાભેર અથડાતાં તુફાન ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં તુફાન ગાડીમાં બેઠેલાં શ્રમજીવીઓની દર્દનાક ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
આ બનાવની જાણ થતાં આજુબાજુના રહીશો તથા ઠાસરા પોસઈ એફ.ડી.સોલંકી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ગ્રામજનોની મદદથી તુફાન ગાડીમાં ફસાયેલાં શ્રમજીવીઓને બહાર કાઢી ૧૦૮માં સારવાર અર્થે ઠાસરા આરોગ્ય કેન્દ્રમાં મોકલી અપાયા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતા. પોલીસે ક્રેઇન મગાવી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી વાહન વ્યવહાર ખુલ્લો કર્યો હતો.
આ અકસ્માતમાં તુફાન ગાડીમાં બેઠેલા બીજુભાઈ રાજુભાઈ અજનાર (ઉં.વ.૪૦, રહે.ધામણી, તા.જાંબુઆ, મધ્યપ્રદેશ) તથા નગાભાઈ તેહિમાભાઈ ડામોર (ઉં.વ.૪૫, રહે.બુઢાતાલા, તા.જાંબુઆ, મધ્યપ્રદેશ)ના ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા હતા. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલા પૈકી ઈજાગ્રસ્ત રમીબહેન ધીરાભાઈ ડામોર (ઉ.વ.૩૫) નામના ગર્ભવતી મહિલાની પ્રસુતિ થતાં તેણે મૃત બાળકને જન્મ થયો હતો. આ અકસ્માતમાં ચાર વ્યક્તિની હાલત અત્યંત નાજુક હોય વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે રમેશભાઈ કાનજીભાઈ ભીલવાન (બસ ડ્રાયવર)ની ફરિયાદના આધારે ઠાસરા પોલીસે ટ્રક તેમજ તુફાન ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.