પોલીસના લાખ પ્રયાસો છતાં હાલોલને તસ્કર ટોળકી દ્વારા બાનમાં લેવામાં આવતાં હાડ થિજાવતી ઠંડીમાં પોલીસ પેટ્રોલિંગને પરસેવો પડાવે છે. જોકે ગાયત્રી નગરના મકાનમાં પ્રવેશેલા તસ્કરને સોસાયટીના યુવાનો દ્વારા ઝડપી પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. જ્યારે બે ચોર ભાગવામાં સફળ થયા હતા. ચોરીના નિષ્ફળ પ્રયાસની ફરિયાદ નોંધી ઝડપાયેલાની પૂછપરછ આદરી છે.
છેલ્લા પંદર દિવસથી હાલોલ નગરને તસ્કરો દ્વારા બાનમાં લેવામાં આવતાં પોલીસ સાથે નગરજનો પણ રાત્રિ પેટ્રોલિંગમાં જોડાયા છે. તસ્કરોએ દિશા બદલી ગત રાત્રિના સમયે હાલોલ કાલોલ બાયપાસ રોડ પર આવેલા ગાયત્રી નગરમાં રહેતા કમલેશ પ્રભુદાસ માછીના મકાનને નિશાન બનાવ્યું હતું.
મળસ્કે ચાર વાગ્યાના અરસામાં મકાનનો દરવાજો અને જાળીના નકુચા કાઢતાં અવાજ થવાથી મકાન માલિક જાગી ગયા હતા. તેઓને પાકી ખાતરી થઇ કે ચોર ઘરમાં પ્રવેશ કરવાના છે. જેથી તેઓ દ્વારા આડોશ પાડોશના માણસોને મોબાઇલથી જાણ કરીને જણાવ્યું હતું. ત્યાર બાદ સોસાયટીના રહીશો એક સંપ કરી હિંમતપૂર્વક આવ્યા હતા.
ગાયત્રી નગરના યુવાનોએ તસ્કરોને ઝબ્બે કરવા માટે પ્રયત્ન શરૂ કર્યા હતા. બહારથી દસેક યુવાનો હથિયારો સાથે નીકળ્યા અને મકાન માલિક કમલેશભાઇ માછીના ઘરમાંથી પ્રવેશ કરી બંને તરફથી ઘેરો નાંખતાં ચોરો સલવાયા હતા. ત્રણમાંથી બે ચોર ભાગવામાં સફળ થયા હતા. પરંતુ એક આબાદ ઝડપાઇ ગયો હતો.
જોકે તેની સાથે બાથંબાથ અને હાથાપાઇ થઇ હતી. હાલોલ પોલીસને સોંપવામાં આવતાં તેણે પોતાનું નામ ગોરધન મનુ નાયક જણાવ્યું હતું. આ અંગે કમલેશે ફરિયાદ આપતાં ઝડપાયેલ તસ્કરની સઘન પૂછપરછ આદરી છે.