સેક્ટર-૧૬નાં દૂધ પાર્લરમાં ચોરી કરતા પહેલાં જ ટોળકીને પોલીસે રંગેહાથ ઝડપી લીધી હતી અને ચોરી કરવા માટે ટાબરિયાઓનો ઉપયોગ કરવાના ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો હતો.
ગાંધીનગર શહેરમાં છેલ્લા અઠવાડિયાથી પડતી કાતિલ ઠંડીમાં બંધ મકાન અને દુકાનોને નિશાન બનાવવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યાં હોઇ સેક્ટર-૨૧ પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલિંગ સઘન બનાવી દેવામાં આવ્યું હતું. દરમિયાન શુક્રવારે રાત્રે પીએસઆઇ આર.આર. રાઠવા સ્ટાફ સાથે સેક્ટર-૧૬માંથી પસાર થઇ રહ્યાં હતાં.
ત્યારે ચીપ ટાઇપ શોપિંગમાં દુકાન નં-૫૩૧માં દૂધ પાર્લરનું તાળું તૂટેલું નજરે પડ્યું હતું. અંદર તપાસ કરતાં કાળીબેન રાકેશ (રહે-ગોરવા, વડોદરા) અને વિજય રમેશ દંતાણી (પેટલાદ) ખાંખાખોળા કરતા હતાં. તેમની સાથે બે ટાબરિયા પણ હતાં. પોલીસને શંકા જતાં પૂછપરછ કરતાં હકીકત ખૂલી હતી કે તેઓ ચોરી કરવા પાર્લરમાં ઘૂસ્યા હતાં.
પોલીસે ચારેય જણાને સેક્ટર-૨૧ પોલીસ મથકે લાવી વધુ તપાસ કરતાં ખ્યાલ આવ્યો હતો કે આ મહિલા - યુવક ચોરી કરવા માટે ટાબરિયાઓનો ઉપયોગ કરતા હતાં. જોકે પોલીસે બન્ને બાળકોને મુકત કરી દીધા હતાં અને મહિલાને સાબરમતી કસ્ટડીમાં મોકલી આપી હતી. તેમજ વિજય રમેશ દંતાણીને એક દિવસના રિમાન્ડ પર મેળવી મહિલા અને બાળકો અંગે વધુ તપાસ હાથ ધરી છે.