ગૂજરાત વિદ્યાપીઠના સમાજકાર્ય સંગઠનના ઉપક્રમે ૧૯૭૦થી ૨૦૧૦ સુધીના એમએસડબ્લ્યુ વિભાગના વિદ્યાર્થીઓનું સંમેલન યોજાઇ ગયું. જેમાં ઔદ્યોગિક, રાજકીય, સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરનાર૧૯૭૦થી ૨૦૧૦ સુધીની બેચના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
વિદ્યાપીઠથી સંસદ સુધી પહોંચેલા તમામ ક્ષેત્રોના ૨૫૦થી વધારે વિદ્યાર્થીઓ આ પ્રસંગે હાજર રહ્યા હતા. જેમાં કેન્દ્રીય માજી રેલવેમંત્રી નારાયણભાઇ રાઠવા કે જે ૧૯૭૮ની બેચના વિદ્યાર્થી હતા, તેમણે જણાવ્યું કે તે વખતે અભ્યાસ માટે લિમિડેટ અંગ્રેજી પુસ્તકો પર આધાર રાખવો પડતો. વિદ્યાર્થીઓની ભાવના સમાજસેવા કરવાની હતી. તેમણે વધુમાં જણાવ્યું કે એમએસડબ્લ્યુના વિદ્યાર્થીઓને પહેલાં સારી જોબ માટે સામેથી ઓફર આવતી હતી અને હવે એમએસડબ્લ્યુના વિદ્યાર્થીઓનું લેવલ ખાસ્સું નીચે ગયું છે.
૧૯૮૦ની બેચનાં વિદ્યાર્થિની અને હાલમાં બિલગેટ્સની કંપની યુની સેફ અને પાર્થ ફાઉન્ડર પ્રોજેક્ટમાં ડિરેક્ટર તરીકે કાર્ય કરતાં દર્શનાબહેન વ્યાસ ૨૬ વર્ષ પછી વિદ્યાપીઠમાં પ્રવેશતા સાથે જ કહ્યું કે હું અભ્યાસ કરતી ત્યારે કેન્ટીન પણ ન હતી, આજે અહીં સુંદર કેન્ટીન છે. ૫૦ વર્ષે પણ તેમનામાં સમાજ સેવાનો તરવરાટ જોવા મળતો હતો.
દર્શનાબહેને અફઘાનિસ્તાન, ઇરાક, સુદાન વગેરે દેશોમાં યુદ્ધ વખતે રેફયુજી સાથે ટેન્ટમાં રહીને લોકોની મદદ અને સારવાર કરી છે. અનેક ભાષાઓનાં જાણકાર દર્શનાબહેને જણાવ્યું હતું કે, હું અભ્યાસ કરતી ત્યારે સમાજસેવા એક પેશન હતું અને અત્યારે પેશન જ છે, પરંતું કોઇ પોતાનું ઘર બાળીને તીરથ ના કરે તેમ પ્રોફેશનનો અર્થ બદલાઇ ગયો છે.
૧૯૮૦ બેચના જ વિદ્યાર્થી અનીલભાઇ પટેલ અભ્યાસ પછી બરોડા મ્યુનિસપિલ કોર્પોરેશન ત્યાર બાદ સચિવાલયમાં ઘણા વિભાગોમાં અને હાલમાં પ્રવાસન વિભાગમાં ગુજરાત યાત્રાધામમાં સચિવ તરીકે ફરજ બજાવે છે. તેમણે જણાવ્યું કે, ગૂજરાત વિદ્યાપીઠ એ વિશ્વવિદ્યાલય છે જેનું નામ દેશદુનિયામાં જાણીતું છે, તેમાં અભ્યાસ કરીને પારંગત થયા પછી પોતાની પ્રતિભા દેખાડે તો જ તે સાચો એમએસડબ્લ્યુનો વિદ્યાર્થી કહેવાય અને તેના માટે વિદ્યાર્થીએ નીતિ, પ્રમાણિકતા, નિષ્ઠા, અનુશાસન અને મહેનતને વળગી રહેવું જોઇએ.
આ પ્રસંગે ૧૯૮૦ની બેચના વિદ્યાર્થી અને હાલમાં ટોરેન્ટ પાવર લિ.માં આસિસ્ટન્ટ જનરલ મેનેજર તરીકે કાર્ય કરતા પ્રેમજીભાઇ શેટ્ટાએ જણાવ્યું હતું કે, હું કોમર્સનો વિદ્યાર્થી હોવા છતાં મારા અભ્યાસને ધ્યાનમાં રાખીને મને મોરારજી દેસાઇના સમયે વિનોદભાઇની રજુઆતથી એડમશિન મળી ગયું. વિદ્યાપીઠમાં હોસ્ટેલની શરૂઆત કરાવનાર હું અને મારા મિત્રો હતા.