રાજ્યમાં કોમી સદ્દભાવનાને ધમરોળવા આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુજાહિદ્દીનના કર્ણાટક મોડ્યુલના આતંકવાદીઓ શહેરમાં ઘૂસ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઓળખ છુપાવવા અને પકડાઇ ન જવાય તે માટે આતંકવાદીઓ આ વખતે સ્થાનિક સહયોગ વગર જ હુમલા કરવા માગે છે.
સુરક્ષા એજન્સીઓ દ્રઢપણે માની રહી છે કે, હુમલાના પ્લાનિંગની ગંધ જરૂર આવે છે, પરંતુ સ્થાનિક શખ્સોની સંડોવણી ન હોવાથી ઓળખ પ્રસ્થાપિત નથી થતી.
સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોએ નક્કર માહિતી આપતાં કહ્યું હતું કે, લશ્કર-એ-તોઇબા અને ઇન્ડિયન મુજાહિદ્દીનનું આ મોડ્યુલ મુખ્યત્વે વૈભવી હોટેલોને ટાર્ગેટ કરે તેવી સંભાવના છે. ૨૦૦૯માં પશ્ચિમ વિસ્તારની કેટલીક હોટેલોની રેકી થઈ હોવાની પણ માહિતી છે.
ઇન્ડિયન મુજાહિદ્દીનના ગુજરાતના કથિત કમાન્ડર ક્યામુદ્દીન કાપડિયા અને સાજીદ મન્સૂરીની ધરપકડ બાદ, રિયાઝ ભટકલે ગુજરાત ઓપરેશન માટે નવો કમાન્ડર બનાવ્યો છે, જેની કોઈ ગુનાઇત નોંધ પોલીસ ચોપડે નથી.
એન્ટિ ટેરર ઓપરેશન સાથે જોડાયેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, નક્કર માહિતી હોવા છતાં મોડ્યુલનું ન પકડાવું તે ચિંતાનો વિષય છે. મુંબઈમાં ઘૂસેલો આતંકવાદી મહેફુઝ આલમ પણ આ જ મોડ્યુલનો આતંકવાદી છે. તેને પકડવા માટે દેશભરના એરપોર્ટ પર લૂક નોટિસ જારી કરાઈ છે. અમદાવાદના ઇન્ટરનેશનલ ટર્મિનલ પર ઇમિગ્રેશન વિભાગને સતર્ક કરી દેવાયો છે, ડોમેસ્ટિક એરપોર્ટ પર સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે.
મેકે ત્વરિત એલર્ટ જારી કેમ કર્યો
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ અને મુંબઈ પરના આતંકવાદી હુમલામાં ઈન્ટેલિજન્સ વિભાગ પાસે નક્કર માહિતી હતી. છતાં વધુ અભ્યાસ કરવામાં વિલંબ થતાં આતંકવાદીઓ બદ્ઇરાદો પાર પાડવામાં સફળ રહ્યા હતા. તેથી આ વખતે માહિતી મળતાની સાથે જ આઇ.બી.એ મુંબઈ અને અમદાવાદમાં એલર્ટ જારી કરી દીધું હતું.
પશ્ચિમ બંગાળ પોલીસે મેકને માહિતી આપી
સુરક્ષા એજન્સીઓનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળના ઈન્ટેલિજન્સ વિભાગે દક્ષિણ ભારતથી અમદાવાદ અને મુંબઈ પર ન્યૂ યરમાં હુમલો કરવાની આતંકવાદીઓ વચ્ચેની વાતચીત સાંભળી હતી. આ માહિતી તુરંત જ મેકને આપવામાં આવતાં એલર્ટ જારી કરાયું છે.
લોકલ માણસોની મદદ લે તેવી સંભાવના
ઇન્ડિયન મુજાહિદ્દીન અગાઉ શહેરમાં વિસ્ફોટ કરી ચૂક્યું છે. તેનો મુખ્ય કાવતરાખોર તૌકીર બિલાલ ઉર્ફે સુભાન હજી ફરાર છે, તેથી લોકલ સપોર્ટ ન લેવાની થિયરીને નકારી શકાય નહીં. સાથે તેઓ માત્ર ટાર્ગેટ નક્કી કરવા લોકલ માણસોની મદદ લે તેવી પણ સંભાવના છે.