કોમી તોફાનોની તપાસનો રિપોર્ટ સીટે સુપ્રીમ કોર્ટમાં સુપરત કર્યો
મુખ્યમંત્રીની સંડોવણી અંગે ઝડફિયાએ આપેલું નિવેદન મહત્વનું હોવાનું મનાઈ રહ્યું છે
બેદરકારી દાખવનારા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની પરવાનગી મગાઈ ?
માત્ર નરોડા પાટિયા અને નરોડા ગામ કેસની તપાસ બાકી હોવાનું જણાવાયું
વર્ષ ૨૦૦૨નાં કોમી રમખાણોની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ)એ સોમવારે વધુ એક અહેવાલ સુપ્રીમ કોર્ટમાં સુપરત કર્યો હતો. જસ્ટિસ ડી.કે. જૈન, પી. સતશિવમ્ અને આફતાબ આલમની ત્રણ જજની વિશેષ બેન્ચ મંગળવારે આ અંગેના કેસની સુનાવણી કરવાની છે. સીલબંધ કવરમાં સીટે સુપરત કરેલા અહેવાલમાં નરોડા ગામ અને નરોડા પાટિયા સિવાય કોમી રમખાણોના મોટા ભાગના કેસ અંતિમ તબક્કામાં હોવાનું જણાવ્યું છે. જેના પગલે ચુકાદા પરનો સ્ટે હટાવી લેવાય તેવી શક્યતાઓ ઊભી થવા પામી છે.
બીજી બાજુ ૨૨મી ઓક્ટોબરના રોજ પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાએ સીટ સમક્ષ આપેલું નિવેદન પણ મહત્વનું હોવાનું મનાઈ રહ્યું છે. આ નિવેદનમાં ઝડફિયાએ પોતે અગાઉ લખેલો પત્ર રેકોર્ડ પર લેવા અને રમખાણો દરમિયાન મુખ્યમંત્રી મોદી સીધી સૂચનાઓ આપતા હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત બેદરકારી દાખવનાર સિનિયર પોલીસ અધિકારીઓ સામે પણ પગલાં લેવા પરવાનગી મગાઈ હોવાનું સૂત્રો બિનસત્તાવાર રીતે જણાવી રહ્યાં છે.
સીટના વડા અને ભૂતપૂર્વ ડિરેક્ટર આર.કે. રાઘવને બંધ કવરમાં આ અહેવાલ સુપ્રીમ કોર્ટમાં સુપરત કર્યો હતો. આ અગાઉ સીટે મે મહિનામાં સૌપ્રથમ સ્ટેટસ રિપોર્ટ સુપરત કર્યો હતો. આ અંગે સંપર્ક કરાતાં સીટ સાથે જોડાયેલા અધિકારીએ કહ્યું હતું કે, રિપોર્ટ બંધ કવરમાં સુપરત કરાયો છે અને તેની વિગત જાહેર કરી શકાય તેમ નથી. સીટના રિપોર્ટમાં માત્ર નરોડા ગામ અને નરોડા પાટિયા કેસની જ તપાસ બાકી હોવાનું જણાવાયું હોવાનું મનાઈ રહ્યું છે.
સીટે અગાઉ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધન ઝડફિયા અને સિનિયર પોલીસ અધિકારી એમ.કે. ટંડન અને પ્રવીણ ગોંદિયાની રમખાણોમાં કથિત સંડોવણી અંગે વધુ તપાસ કરવાની પરવાનગી માગી હતી. જે પછી સીટે ટંડન અને ગોંદિયાની સઘન પૂછપરછ કરી હતી. તેમની ખરી ભૂમિકાની તપાસ કરવા માટે સીટે આ બંને અધિકારીઓના તાબા હેઠળના અધિકારીઓને પણ બોલાવીને પૂછપરછ કરી હતી. ઉપરાંત અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર પી.સી. પાંડેને પણ ટંડન, ગોંદિયા અને ઝડફિયાની ભૂમિકા અંગે પૂછવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગત ૨૨મી ઓક્ટોબરના રોજ સીટે પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાની સાત કલાક સુધી સઘન પૂછપરછ કરી હતી. સીટ કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીની હત્યા સહિતના કેસની તપાસ કરી રહી છે અને જાફરી કેસમાં સીટે અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પણ પૂછપરછ કરી હતી.
આર.કે. રાઘવનના વડપણ હેઠળની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમમાં આસામના સિનિયર આઇપીએસ અધિકારી વાય.સી. મોદી અને મહારાષ્ટ્ર કેડરના આઇપીએસ અધિકારી કે. વેંકટેશનનો સમાવેશ છે. ગુજરાત કેડરનાં આઇપીએસ ગીથા જોહરી અને શિવાનંદ ઝાને પક્ષપાતભર્યા વલણના આક્ષેપ સાથે સીટમાંથી હટાવાયા બાદ તેમના સ્થાને આ બે અધિકારીનો સમાવેશ કરાયો હતો.