ટપક સિંચાઇથી ખેતરમાં પિયત માટે વપરાતા પાણીમાં ૭૦ ટકાની બચત થાય છે
ગાંધીનગર જિલ્લામાં ચંદ્રાલા ગામે ગુરુવારે યોજાયેલા રાજ્ય કક્ષાનું ખેડૂત સંમેલનમાં ટપક સિંચાઇ પદ્ધતિથી ખેતી કરવામાં સફળતા મેળવનાર પ૦૦ કરતા વધુ ખેડૂતો રાજ્યભરમાંથી ઉપસ્થિત રહ્યાં હતાં. તેઓને નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ટપક સિંચાઇથી ખેતરમાં પિયત માટે વપરાતા પાણીમાં ૭૦ ટકાની બચત થાય છે. તેઓએ ભાવી આયોજન અંગે માર્ગદર્શન પૂરું પાડવા સાથે ખેડૂતોના અનેક વિધ પ્રશ્નોના સમાધાન પણ આપ્યા હતાં.
પાણીની ખૂબ બચત થતી હોવાથી કૃષિ ક્ષેત્રમાં ટપક સિંચાઇ-ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ ખેડૂતોમાં લોકપ્રિય બની રહી છે. ત્યારે ગુજરાતમાં આ કામગીરી માટે આગળ આવેલી હાર્વેલ અબુદ કંપનીના મેનેજિંગ ડિરેકટર શ્યામલાલ તીકાદરે ગુજરાત સરકાર દ્વારા સુક્ષ્મ પિયત પદ્ધતિમાં ખેડૂતોને અપાતી સહાય અંગે ખેડૂતોને જાણકારી પૂરી પાડી હતી.
જ્યારે રિજિયોનલ મેનેજર કે.મહેશ્વરીએ જણાવ્યું કે, ડ્રીપ ઇરિગેસન પદ્ઘતિએ ગુજરાતના ખેડૂતોમાં ખૂબ વિશ્વસનીયતા પ્રાપ્ત કરી છે અને ખેડૂતો આ દિશામાં ઝડપથી પ્રગતિ સાધી રહ્યાં છે. ખેડૂતોમાં વિશ્વનીયતા ઊભી થવાનું કારણ એ છે કે, ખેતરમાં પિયત માટે વપરાતા કુલ પાણીના ૭૦ ટકા પાણી આ પદ્ધતિથી બચાવી શકાય છે અને ઓછી મહેનતમાં વધુ સારો પાક ખેડૂતો મેળવી શક્યા છે.
ચંદ્રાલા ખાતે યોજાયેલા સંમેલનમાં અહીં ફાર્મ હાઉસમાં તથા વિસ્તારના ખેડૂતોએ પૂરા પાડેલા ઉત્તમ નમૂનાનું ગુજરાતભરમાંથી આવેલા ખેડૂતોને પ્રત્યક્ષ દર્શન કરાવી ઉત્તમ ખેતી પદ્ધતિના ભાવી અંગેની કેટલીક ચાવીરૂપ બાબતો નિષ્ણાતોએ ખેડૂતોને સમજાવી હતી.