સંસદનું ચોમાસું સત્ર પૂર્ણ થયા બાદ બોઘાની પૂછપરછ થાય તેવી શક્યતા
જેઠવા હત્યાકાંડમાં કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવા સોલંકીની સંડોવણી પ્રકાશમાં આવ્યા બાદ ક્રાઈમ બ્રાન્ચ ધીમે ધીમે તેના કાકા અને સાંસદ દિનુ બોઘા સામે પુરાવા એકત્ર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કોડીનારમાં ધામા નાંખીને બેઠી છે ત્યારે સાંસદ દિનુ બોઘા સંસદનું ચોમાસુ સત્ર છોડીને શનિવારે સવારે કોડીનાર આવી પહોંચ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચે તેમની પૂછપરછ કરવા માટે લોકસભાના સ્પીકરની પરવાનગી મેળવવાની પણ તજવીજ હાથ ધરે તેવી પણ શક્યતા છે. જેઠવાનો કાંટો કાઢી નાંખવા માટે સાંસદના ભત્રીજા શિવા સોલંકીની સૂચનાથી શૈલેષ પંડ્યા અને પચાણ શિવાને સોપારી આપનારા ગીરગઢડાના કોન્સ્ટેબલ બહાદુરસિંહે દિનુ બોઘા સામે પણ વટાણા વેરી દીધા છે.
બહાદુરસિંહે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે કે સોપારી માટેના પૈસા ચૂકવવામાં દિનુ બોઘાનો ખાસ મનાતો એક સ્થાનિક શખ્સ સંડોવાયેલો છે. આ શખ્સ કોણ છે તે અંગેની તમામ માહિતી ક્રાઈમ બ્રાન્ચે એકત્ર કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં જ તેની પણ ધરપકડ થશે તેવી સંભાવના છે. જો કે દિનુ બોઘા ઉપરાંત સોરાષ્ટ્રમાં વગદાર મનાતા અન્ય પાંચ કે છ શખ્સો પણ જેઠવા હત્યાકાંડમાં પકડાશે તેવા સંકેતો ક્રાઈમ બ્રાન્ચે આપ્યા છે.
બહાદુરસિંહ, શિવા સોલંકી તથા જેઠવા હત્યાકાંડમાં સંડોવાયેલા અન્ય કેટલાક શખ્સો દિવના નાગવા બીચ પરની હોટેલમાં રોકાયા હતા તેવી માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે તે હોટેલમાં ચકાસણી કરી હતી. એવું મનાય છે કે બહાદુરસિંહ તેના મિત્રો સાથે ઐયાશી કરવા આ જ હોટેલમાં કાયમ જતો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચે તે હોટેલમાં પણ તપાસ કરી હતી.
૭થી ૧૧ જુલાઈની વચ્ચે શાર્પ શૂટરો ખાંભામાં રોકાયા હતા
જેઠવાની હત્યાનું કાવતરું રચવા માટે બહાદુરસિંહ, સંજય ચૌહાણ, પચાણ શિવા અને શાર્પ શૂટર શૈલેષ પંડ્યા ખાંભામાં એક સંબંધીને ત્યાં રાકાયા હતા. રોકાણ દરમિયાન તેમણે જેઠવાને ત્યાં જ પતાવી દેવા પણ વિચાર્યું હતું પરંતુ તે સમયે રિવોલ્વરની વ્યવસ્થા ન થતાં પ્લાન પડતો મૂકવામાં આવ્યો હતો.
બહાદુરસિંહની કાર કોડીનારથી કબજે લેવાઈ
ક્રાઈમ બ્રાન્ચે કોડીનારથી કોન્સ્ટેબલ બહાદુરસિંહની કાર કબજે લીધી છે. આ કારમાં હત્યાના પાંચ દિવસ પહેલા બહાદુરસિંહ, પચાણ શિવા, શૈલેષ પંડ્યા અને સંજય ચૌહાણ અમદાવાદ આવ્યા હતા. જો કે ૨૦મી જુલાઈના રોજ જેઠવાની હત્યા કરતા પહેલાં તેઓ કોને ત્યાં રોકાયા હતા તે અંગે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
શાર્પ શૂટરોએ પાંચ દિવસ જેઠવાની રેકી કરી હત્યા કરી હતી
૧૫મી જુલાઈના રોજ અમદાવાદ આવ્યા બાદ શાર્પ શૂટરો અમિત જેઠવાના સોલા સ્થિત ઘરે સતત રેકી કરતા હતા. ૨૦મી જુલાઈએ પણ શૈલેષ પંડ્યા અને તેનો સાગરીત સવારથી જ અમિત જેઠવાનો પીછો કરી રહ્યા હતા. આખરે રાતના સમયે જ્યારે અમિત જેઠવા વકીલને મળીને બહાર નીકળતા હતા ત્યારે અંધકારનો લાભ લઈને તેમને ઠાર મારવામાં આવ્યો હતો.