- પૂરાં સમયે દાહોદની મહિલા અમદાવાદથી પ્રસૂતિ માટે વતન જઈ રહી હતી ત્યારે મહુધા પાસે બનેલી ઘટના - બસમાં જ પ્રવાસ કરી રહેલાં મહિલા તબીબે સાધન-સામગ્રી વગર બજાવેલી ઉત્કૃષ્ટ ફરજ - ડ્રાઇવર-કન્ડક્ટર અને મુસાફરોની માનવતા પર લોકો આફરીન પોકારી ઉઠ્યાંસરકારી તંત્ર ઉત્તમ તબીબી સારવાર આપતા હોવાના દાવાઓ ભલે કરે, પણ આ તબીબી સેવાઓ ક્યારેક વામણી સાબિત થાય છે. આ પ્રકારની ઘટના અમદાવાદ-ઝાલોદ એસટી બસમાં અધરસ્તે મહુધા પાસે ગુરુવારે બની હતી.
દાહોદ પાસેના પાવલી ગામની એક મહિલાને અમદાવાદથી વતન જઈ રહી હતી ત્યારે ચાલું બસમાં જ પ્રસૂતિ થઈ હતી. સદ્દનસીબે એ જ બસમાં એક મહિલા તબીબ પ્રવાસ કરતાં હોય, અણીના સમયે ભગવાને તેઓને મદદે મોકલ્યાં હોવાની લાગણી પબસમાં મુસાફરી કરી રહેલાં લોકોમાં ફરી વળી હતી.
ઘટનાની વિગતો મુજબ દાહોદ નજીક આવેલાં પાવલી ગામનો ૨૫ વર્ષનો યુવાન શૈલેષભાઈ બારિયા પત્ની સુરેખાબહેન સાથે અમદાવાદમાં કડિયાકામ કરીને નાણાં રળે છે. દરમિયાન ગભૉધાન બાદ પૂરાં માસ આવતાં તેઓ ગુરુવારે માદરે વતનમાં ડિલીવરી માટે સવારે ૧૦ વાગ્યે અમદાવાદથી નીકળ્યાં હતા. પતિ શૈલેષભાઈ અને પત્ની સુરેખાબહેનની આ ચોથી પ્રસૂતિ હતી.
બસ નં. જી.જે.૧૮-૫૪૭૦, જ્યારે મહુધા નજીક આવી ત્યારે એકાએક જ સુરેખાબહેનને પ્રસૂતિની પીડા ઉપડી હતી. પાંચ-દસ મિનિટ પતિ શૈલેષભાઈ હવે શું કરવું? તેની ચિંતામાં હતા, પરંતુ બસ મહુધાથી ડાકોર ચોકડી પાસે આવી ત્યારે કન્ડકટર પ્રતાપભાઈ શેનવાને આ વાત કરતાં તેઓએ બસચાલક કલાભાઈ સોમાભાઈ ચર્ચા કરી હતી.
જોકે, સદ્દનસીબે આ બસમાં એક મહિલા તબીબ પણ પ્રવાસ કરી રહ્યાં હતાં. તેઓએ તાત્કાલિક સુરેખાબહેનને અન્ય મહિલા મુસાફરોની મદદથી પ્રસૂતિ માટેની તૈયારી કરાવીને બસને મહુધા પીએચસીના દવાખાનામાં લઈ જવા માટે કહ્યું હતું. ડ્રાયવર-કન્ડકટરે પણ માનવતાના પગલે બસને હોસ્પિટલ તરફ દોડાવી હતી. કુદરતને હોસ્પિટલની જરૂર નોહતી અને મહિલા તબીબની મદદથી જ મહુધા નગરપાલિકા સામે જ સુરેખાબહેને બસમાં જ પુત્રને જન્મ આપ્યો હતો. મહિલાની પ્રસૂતિ વિના વિઘ્ને થઈ જતાં બસમાં બેઠેલાં મુસાફરોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું હતું. ત્યારબાદ નવજાત સાથએ માતાને હોસ્પિટલમાં સારવાર માટે મુકીને બસ સાથે મુસાફરો આગળ વધ્યાં હતા. આ ઘટનાએ અમુક સમય માટે આશ્ચર્ય-આનંદ સાથે ભારે કુતૂહલનું વાતાવરણ સર્જી દીધું હતું. હાલ સુરેખાબહેન અને નવજાત પુત્રની તબિયત સ્વસ્થ હોવાનું સરકારી હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.
અણીના સમયે મહિલા તબીબ વહારે આવ્યાં
અમદાવાદ-ઝાલોદ બસમાં સિંઘાલીના તબીબ ઉર્વશીબહેન મોદી પ્રવાસ કરી રહ્યા હતા. તેઓએ આ મહિલાની પ્રસૂતિ પીડા ઉપડતાં જ જરૂરી પ્રસૂતિ અંગેની સેવા-સુશ્રુષા પૂરી પાડીને અણીના સમયે તબીબી ધર્મ નિભાવ્યો હતો. તેઓએ પોતાની આવડતથી સાધન-સામગ્રી વિના જ સુખરૂપે પ્રસૂતિ કરાવી હતી.
બસ વન-વેમાં ઘૂસાડી, એસટીના કર્મચારીઓ દોડ્યાં
કટોકટીની પળોને યાદ કરતાં અમદાવાદ-દાહેદ બસના ચાલક કાલાભાઈ ભોઈએ જણાવ્યું હતું કે ‘મહુધા નજીક જ પ્રસૂતાને પીડા ઉપડતાં તેને સૌ પ્રથમ હોસ્પિટલ પહોંચાડવી જરૂરી હતી. આથી, બસ વધુ ઝડપે મહુધા હોસ્પિટલ તરફ ભગાડી હતી. જોકે, વચ્ચે વન-વે હોવા છતાં બસ એક વખત નિયમનો ભંગ કરીને પણ ઘૂસાડી દીધી હતી. બસ ડેપોના બદલે હોસ્પિટલ તરફ પહોંચતા થોડા એસટી કર્મચારીઓ પણ દોડી આવ્યાં હતાં. જોકે, એક સપ્તાહ પહેલા પણ આવો બનાવ બન્યો હતો. આ સમયે મહિલાને તાત્કાલિક ડાકોર હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.’
અનુભવ કામ આવ્યો
ડૉ. ઉર્વશીબહેન મોદીએ પોતાના વિદ્યાર્થીકાળ દરમિયાન ટ્રેનમાં થયેલી ડિલીવરીના અનુભવ અંગે જણાવ્યું હતું કે ‘સને ૨૦૦૩માં વડોદરા ખાતે ડોક્ટરનો અભ્યાસ કરી રહી હતી, ત્યારે મેડિકલના કેટલાક સિનિયર વિદ્યાર્થી સાથે અમદાવાદ ઘરે રજા માણવા ટ્રેનમાં નીકળ્યાં હતાં. આ સમયે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હતી. એ વખતેે સિનિયર વિદ્યાર્થીઓએ ટ્રેનમાં જ ડિલીવરી કરાવી હતી. આ અનુભવ ગુરૂવારે બસમાં કામમાં લાગ્યો હતો.’ ડૉ.ઉર્વશીબહેન મોદીએ કહ્યું હતું કે ‘આ ઘટના મારાં જીવનમાં પણ યાદગાર બની રહેશે.’