- અમદાવાદમાં ડૉ. સુબ્રમણ્યમ સ્વામીનો ધડાકો - જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં રાજાની સાથે સોનિયા અને કરુણાનિધિનાં નામ પણ દાખલ કરાશે
કેન્દ્રમાં આચરાયેલા રૂપિયા ૬૦ હજાર કરોડના ૨જી સ્પેકટ્રમ કૌભાંડમાં ૩૫ ટકા મુજબ કમિશન મળ્યું છે. જેમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજાને માત્ર ૧૦ ટકા લેખે ૬ હજાર કરોડ મળ્યાં છે,બાકીના ૧૮ હજાર કરોડ કરુણાનિધિને મળ્યાં છે,જ્યારે ૩૬ હજાર કરોડ કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ સોનિયા ગાંધીના હિસ્સે આવ્યાં છે.
જે તેમણે તેમની બે બહેનોને વિદેશ મોકલી આપ્યાં છે એટલે તેના ટ્રાન્ઝેક્શનની વિગત અમેરિકા પાસેથી મંગાવવામાં આવી છે.જે મળી ગયા બાદ જાન્યુઆરી-૨૦૧૧માં સુપ્રીમ કોર્ટમાં રાજાની સાથોસાથ કરુણાનિધિ અને સોનિયા ગાંધીના નામો પણ દાખલ કરવામાં આવશે.
અમદાવાદમાં ભારતીય વિચાર મંચના ઉપક્રમે ‘શું ભ્રષ્ટાચાર ભારતની સૌથી મોટી સમસ્યા છે?’ એ વિષયમાં ટુ-જી સ્પેકટ્રમ ટેલિકોમ કૌભાંડને સંદર્ભ બનાવીને પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા જનતા પાર્ટીના સાંસદ અને પક્ષ પ્રમુખ ડૉ. સ્વામીએ પ્રવચન આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ૨જી સ્પેકટ્રમ ટેલિકોમ કૌભાંડમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજાએ તેમણે અગાઉથી નક્કી કર્યા મુજબની બે કંપનીઓને લાયસન્સ આપ્યા હતા. જેમણે ૮ ગણી રકમ લઈને બે વિદેશી કંપનીઓને આ લાઇસન્સ વેચી નાંખ્યાં છે. જેના કારણે રાષ્ટ્રિય સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે.