- રાજ્યમાં માવઠાએ વિરામ લેતાં આજે ઉઘાડ નીકળવાની આગાહી- લો પ્રેશરનાં વાદળો વિખેરાયાં- સતત આઠ દિવસ પછી વરસાદે વિદાય લીધી- વરસાદના વિરામ બાદ ધુમ્મસી માહોલ
મંગળવારે હિમ પવન અને વરસાદ બાદ બુધવારે રાજ્યભરમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. નલિયાનું તાપમાન ૧૬.૮ ડિગ્રી પર ગગડ્યું હતું. ભાવનગર જિલ્લાને બાદ કરતાં રાજ્યના મોટા ભાગના હિસ્સામાં માવઠાએ વિદાય લીધી હતી. ભાવનગરના તળાજામાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.
અરબી સમુદ્ર ઉપર કેન્દ્રિત થયેલું લો પ્રેશર વિખેરાઈ જતાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા નથી. બુધવારે હાડ થીજાવી દેતી ઠંડીમાં આંશિક બ્રેક વાગતાં રાજ્યનું જનજીવન સામાન્ય બન્યું હતું. બુધવારે વરસાદના વિરામ બાદ ધુમ્મસ જોવા મળ્યું હતું જ્યારે ગુરુવારે ઉઘાડ નીકળવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.
કમોસમી વરસાદની સ્થિતિ હળવી બનતાં રાજ્યના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. સેટેલાઇટ પિકચરના વિશ્લેષણ મુજબ દક્ષિણ ભારતમાં કેન્દ્રિત થયેલું લો પ્રેશર વિખેરાશે નહીં તો ફરીથી બે દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે. બુધવારે ભાવનગર જિલ્લામાં તળાજાની આસપાસનાં ગામડાંમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.
વરસાદને કારણે પાકને નુકસાન થવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. તળાજી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જુનાગઢ જિલ્લાના કોડીનારમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદ બંધ થતાં કેટલાક દિવસ બાદ સૌરાષ્ટ્રમાં લોકોએ હાશકારો મેળવ્યો હતો. આઠ દિવસ સતત ભાદરવાના માહોલ બાદ બુધવારે સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ સૂર્યદેવતાએ દર્શન આપ્યાં હતાં.
જુનાગઢ, રાજકોટ, પોરબંદર, અને કચ્છ જિલ્લામાં વરસાદ રોકાયો હતો. જોકે ઠંડીનો કેર યથાવત રહ્યો હતો. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયાનું ૧૬.૮ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ભુજમાં ૧૭ .૩ ડિગ્રી રહ્યું હતું. ઓછા તાપમાનને કારણે કચ્છમાં ઠંડીનું ભારે મોજું ફરી વળ્યું હતું. રાજકોટમાં તાપમાન૧૭ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે અમદાવાદ શહેરમાં ૧૭.૩ ડિગ્રી રહ્યું હતું.
ડીસા, ભાવનગર અને ઇડરમાં પણ ભારે ઠંડી જોવા મળી હતી. જુનાગઢમાં ગઈ રાતે પડેલી ભારે ઠંડીને કારણે એક ભિક્ષુકનું મોત થયું હતું. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ બુધવારે વરસાદે વિરામ લીધો હતો જ્યારે દક્ષિણમાં ઠંડી યથાવત રહી હતી.
અમદાવાદમાં પણ ઠંડી ઘટી
મંગળવારે ગાત્રો થિજાવતી ઠંડી અને વરસાદ બાદ બુધવારે અમદાવાદમાં ઠંડી ઘટી હતી. અને તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાતાં બુધવારે શહેરનું જનજીવન સામાન્ય બન્યું હતું. બુધવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટરર્બન્સને કારણે આગામી દિવસોમાં ભારે ઠંડી પડી શકે તેવી આગાહી કરાઈ છે.
ક્યાં કેટલું તાપમાન?
સ્થળ.....લઘુતમ તાપમાન
નલિયા.....૧૬.૮ ડિગ્રી
રાજકોટ.....૧૭.૦ ડિગ્રી
ડીસા.....૧૭.૦ ડિગ્રી
અમદાવાદ.....૧૭.૩ ડિગ્રી
ગાંધીનગર.....૧૭.૫ ડિગ્રી
ઇડર.....૧૭.૫ ડિગ્રી
ભુજ.....૧૭.૪ ડિગ્રી
ભાવનગર.....૧૭.૮ ડિગ્રી
બરોડા.....૨૦.૨ ડિગ્રી
સુરત.....૨૩.૦ ડિગ્રી