ઉમરેઠ તાલુકાના શીલી ગામે વોર્ડ નં.૧ની સામાન્ય ચૂંટણી રાતોરાત રદ્દ કરવામાં આવી છે. આ વોર્ડ સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રી અનામત હોવા છતાં કોઈ કારણસર પુરૂષ ઉમેદવારનું ફોર્મ સ્વીકારાય ગયું હતું. આ ક્ષતિ ધ્યાનમાં આવતાં ચૂંટણી અધિકારીએ આ પગલુ ભયું હતું.
સુત્રોના જણાવ્યાનુસાર, ઉમરેઠ તાલુકામાં સમાવિષ્ઠ શીલી ગ્રામ પંચાયતની તા.૨૯મીના રોજ સામાન્ય ચૂંટણી જાહેર થઈ હતી. આ શીલી ગ્રામ પંચાયતનો વોર્ડ નં.૧ સામાજીક શૈક્ષણિક પછાત સ્ત્રી અનામત જાહેર કરવામાં આવ્યો હતો. આ બાબત નાયબ ચૂંટણી અધિકારીની ધ્યાન બહાર રહી ગઈ હતી. જેને કારણે એક પુરૂષ અને એક સ્ત્રીના ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યાં હતાં અને ચૂંટણી માટે ધમધમાટ શરૂ પણ થઈ ગયો હતો. જો કે, ઉમરેઠ મામલતદારના ધ્યાન પર આ વાત આવેતા તેઓ ચોંકી ગયા હતા અને આ અંગે ઉચ્ચકક્ષાએ જાણ કરી હતી. જેના પગલે ચૂંટણી અધિકારી એન.ડી. મિસ્ત્રીએ તાકીદની અસરથી વોર્ડ નં.૧ની ચૂંટણી રદ્દ કરવાનો હુકમ કર્યો છે.
ચૂંટણી ઓબ્ઝર્વર આણંદની મુલાકાતે
આણંદ જિલ્લાની ૧૯૧ ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે ગુરૂવારના રોજ ચૂંટણી ઓબ્ઝર્વર નામૉવાલાએ ગુરૂવારના રોજ મુલાકાત લીધી હતી. આ બેઠકમાં તેઓએ મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર સહિત અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક લીધી હતી. આ ઉપરાંત મતદાનના દિવસે સુરક્ષા વ્યવસ્થા, વિડિયોગ્રાફી સહિતના મુદ્દા પર પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.