શંકરસિંહ વાઘેલાએ મુસ્લિમોને ધમકાવી માંગ્યા વોટ

-ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાનનું વિવાદાસ્પદ નિવેદન
-સંતે કર્યા મોદીના વખાણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજૂ સમય છે. જો કે, મત માટે રાજકારણ અત્યારથી જ શરૂ થઈ ગયું છે. રાજ્યના પૂર્વ સીએમ અને કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ મુસ્લિમો પાસેથી મત માંગ્યા હતા. દરમિયાન તેમણે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા પટેલ, ક્ષત્રિય બાદ રવિવારે કોબા ખાતે લઘુમતી સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વાઘેલાએ જણાવ્યું કે, ''કોંગ્રેસે લઘુમતી સમાજ પર વિશ્વાસ મૂક્યો છે અને આ સમાજ જ કોંગ્રેસની ઓળખ સમાન બની ગયો છે ત્યારે આગામી ચૂંટણીમાં લઘુમતી કોંગ્રેસને સહયોગ નહીં કરે તો તેમના માથે ખતરો તોળાઈ રહ્યો છે. કોંગ્રેસને જીતાડવાની જવાબદારી તમારી છે. તમારું મતદાન 10-20 ટકા હોય છે. પરંતુ આ વખતે 10-20 ટકા મતદાનથી નહીં ચાલે. નહીં ચાલે. ઓછા માં ઓછું 90 ટકા હોવું જોઈએ.''
આ સભામાં મોટી સંખ્યામાં મુસ્લિમો પણ હાજર રહ્યા હતા. ત્યારે વાઘેલાએ લોકોને સંબોધીત કરતા કહ્યું હતું કે, ''તમારા ભરોસે અમે બદનામ થયા. રાધનપુરમાં શંકરુલ્લાહ ખાન બનેલો.'' શંકર સિંહ વર્ષ 1997માં રાધનપુર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીના સંદર્ભમાં આ વાત કરી રહ્યાં હતા. આ ચૂંટણી દરમિયાન વાઘેલાના વિરોધીઓએ મુસ્લિમ ટોપી પહેરેલી શંકરસિંહની તસવીરો વહેતી કરી હતી.
વાઘેલા મુળ સંઘનું પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ કોંગ્રેસમાં જોડાતા પહેલા ભાજપમાં હતા. આથી, વાઘેલાની ટિપ્પણીથી કોંગ્રેસ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. જો કે, ભાજપને વાર કરવાની તક મળી ગઈ છે. વાઘેલાના આ નિવદેન પર પ્રતિક્રિયા આપતા ગુજરાત ભાજપના મહાસચિવ વિજય રૂપાણીએ આરોપ મુક્યો હતો કે, કોંગ્રેસ દ્વારા 'વોટબેન્ક'નું રાજકારણ રમવામાં આવી રહ્યું છે. તેમને મુસ્લિમોના ઉત્કર્ષમાં રસ નથી, પરંતુ મુસ્લિમોના મતોમાં જ રસ છે.
સંતે કર્યા મોદીના વખાણ
ક્રાંતિકારી સંત તરૂણ સાગરે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. મંગળવારે અહીં ગુરૂપૂર્ણિમા ઉત્સવ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ગુજરાત તેજ ગતિથી વિકાસ કરી રહ્યું છે. જેનો શ્રેય મોદીને જાય છે. ગુજરાતના વિકાસને જોતાં લાગે છે કે, આવો કર્મઠ વ્યક્તિ દિલ્હીને મળે તો સમગ્ર દેશનો નક્શો બદલાઈ જશે. ગુરૂપૂર્ણિમાના દિવસે ગુરૂદર્શન માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર કર્ણાટક, સહિતના રાજ્યોમાંથી અનેક મુનિ શિષ્યો અમદાવાદ પહોંચ્યા હતા. મુનિ તરૂણ સાગર હાલ અમદાવાદમાં છે. તેઓ અહીં ચાતુર્માસ સાધના કરી રહ્યાં છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.







