વિધાનસભાના આગામી સત્રમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને ૫૦ ટકા અનામત આપવાની જોગવાઈનું વિધેયક અલગથી રજુ કરવાની માગણી કરતા વિરોધપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે ગુજરાતની ભાજપ સરકાર અને મુખ્યપ્રધાન મહિલા વિરોધી હોવાનો આક્ષેપ કર્યો છે. રાજ્ય સરકાર વિધાનસભામાં મહિલા અનામતનું બિલ અલગથી રજુ કરે તો કોંગ્રેસ સંપૂર્ણ સમર્થન આપશે તેવી આગોતરી બાંયધરી વપિક્ષી નેતાએ આપી છે.
વપિક્ષી નેતા ગોહિલે જણાવ્યું છે કે, મુખ્યપ્રધાનની મહિલા વિરોધી માનસિકતાને કારણે જ ગુજરાત વિધાનસભામાં ફરજિયાત મતદાનના અવિચારી વિધેયક સાથે જોડીને ૫૦ ટકા મહિલા અનામતનું બિલ રજુ કરીને મહિલાઓને અન્યાય કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં મહિલાઓ અગ્રેસર છે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તેમને પ્રતિનિધિત્વ મળે તે જરૂરી છે એમ જણાવી તેમણે કહ્યું કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને સ્થાન ન મળે તે માટે ઈરાદાપૂર્વક ફરજિયાત મતદાન સાથે બિલને જોડીને રજુ કરાયું હતું.
રાજ્યપાલે ફરજિયાત મતદાન સાથેના અનામત બિલને પરત મોક્લિને સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે, મહિલા અનામતનું બિલ અલગથી રજુ કરવામાં આવે તો તેને કાયદાનું સ્વરૂપ આપી શકાય. ફરજિયાત મતદાનનું બિલ બંધારણની જોગવાઈથી તદ્દન વિરુદ્ધનું છે. વળી, આ પ્રકારની જોગવાઈઓ જે દેશોએ અખતરારૂપે કરી હતી તેઓના અનુભવ પણ સારા નથી.
કેટલાયે દેશોએ આ જોગવાઈ લાગુ કરીને પરત ખેંચી છે. ફરજિયાત મતદાનની જોગવાઈઓમાં પણ શ્રીમંતોને માત્ર પાસપોર્ટ બતાવીને મુક્તિ આપવાની જોગવાઈ કરવામાં આવી છે પરંતુ આમ આદમીની મુશ્કેલીઓમાં વધારો થાય તેવી જોગવાઈ છે. ફરજિયાત મતદાનનું વિધેયક માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે લાવવામાં આવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.