-મિલ્કસિટીમાં પારંપરિક વિસરાતી વાનગીઓની લહેજત -સાત્વિક મેળામાં સમયની સાથે વિસરાઈ રહેલો ભવ્ય વારસો
આજના આધુનિક અને ઝડપી જીવન શૈલીમાં પીત્ઝા, સેન્ડવીચ, બર્ગર જેવા જંકફુડ વચ્ચે વિસરાઇ ગયેલી પારંપરિક સાત્વિક વાનગીઓની બોલબાલા વધી છે. જેને કારણે પરંપરાગત વાનગીઓ વિસરાઈ ગઈ છે. આ વિસરાયેલી વાનગીઓનું પ્રદર્શન આણંદમાં ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે. સાત્વિક મેળામાં સમયની સાથે વિસરાઈ રહેલો ભવ્ય વારસો જાણવા, માણવા અને ઓળખવાનો ચરોતરવાસીઓને લહાવો મળશે.
ઇનરવ્હીલ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉન અને અગ્રવાલ મહિલા સમાજ દ્વારા આણંદમાં વૃંદાવન ગ્રાઉન્ડ ખાતે ૧૧ અને ૧૨ ફેબ્રુઆરીના રોજ સાત્વિક મેળાનું આયોજન કરીને પારંપરિક વિસરાતી વાનગીઓ પીરસવામાં આવશે. ઇનરવ્હીલ પ્રમુખ નિલમ શાહે જણાવ્યું હતું કે ‘આજના આધુનિક યુગમાં બદલાઈ રહેલી જીવનશૈલીમાં આપણી પારંપરિક, પૌષ્ટિક વાનગીઓ, પોષણમૂલ્ય અને આયુર્વેદિક મહત્વ ધરાવતાં ધાન્યો વિસરાઈ રહ્યા છે. જંતુનાશક દવાઓ અને રસાયણમુકત સજીવ ખેતપેદાશો, પોષણમૂલ્ય અને આયુર્વેદિક મહત્વ ધરાવતાં ધાન્યમાંથી તૈયાર થતી વાનગીઓ વિશે લોકજાગૃતિ કેળવાય તે ઉદ્દેશ્યથી આણંદ શહેરમાં પ્રથમવાર સાત્વિક મેળો યોજવામાં આવી રહ્યો છે.’
કઈ વાનગીઓ આકર્ષણ જમાવશે
સાત્વિક મેળામાં દેવગઢ બારિયા જેવા આદિવાસી વિસ્તારનાં રપ ઉપરાંત સખીમંડળો વિવિધ પારંપરિક વાનગીઓ તૈયાર કરીને પીરસશે. ૩૦ ઉપરાંત ખેડૂતો સજીવ ખેતપેદાશોની જાણકારી આપશે. કોદરી, બંટી, બાવટો, નાગલી, સામો, જુવાર જેવા ધાન્યોમાંથી બનતી સાત્વિક વાનગીઓ, મહુડાનો આઇસ્ક્રીમ, બ્રાહ્ની સતાવરી બિસ્કિટ, રાગીના જવના પાણીના ખાખરા, અળસી તથા કોળુના લાડું, ઓટ્સની કટલેસ, થીંગળાના રસનો ઉપયોગ કરીને બનાવેલ વાનગીઓ જેવી પારંપરિક વિસરાતી વાનગીઓ આકર્ષણ જમાવશે. પ્રદર્શનમાં તેલ અને પાણીના ઉપયોગ વિના બનાવેલી વાનગીઓ વિશેષરૂપે જોવા મળશે.