વલ્લભ વિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ (સીવીએમ) દ્વારા આયોજિત ભાઈકાકા સ્મૃતિ વ્યાખ્યાનમાળાના ૩૯મા પુષ્પનું વ્યાખ્યાન આપતાં જાણીતાં વિશ્લેષક અને કટારલેખક પ્રા. નગીનદાસ સંઘવીએ ચરોતરના સપૂત સરદાર પટેલ અને ભાઈકાકાના યોગદાનને બિરદાવ્યું હતું.
મૂળ મ્યાનમાર (બમૉ)માં જન્મેલા અને મુંબઈની પ્રતિષ્ઠિત કોલેજમાં પ્રાધ્યાપક રહેલા ૯ર વર્ષીય નગીનદાસ સંઘવીએ જણાવ્યું હતું કે ‘સરદાર અને નહેરુ વચ્ચે અંટશની ઘણી વાતો જાણીતી છે, પરંતુ બંને એકએક પ્રત્યે ખૂબ આદરભાવ અને વિશ્વાસ ધરાવતા હતા. પાકિસ્તાનની રચનાને સૌથી પહેલી મંજૂરી સરદાર પટેલે આપી, નેહરુ તેમની પાછળ ચાલ્યા અને ગાંધીજીને તો આ કડવો ઘૂંટડો સરદાર પટેલે જ ગળે ઉતાર્યો હતો.’
પ્રા. સંઘવીએ જણાવ્યું હતું કે ‘નેહરુ વડાપ્રધાન થયા તેનો બળાપો ઠાલવનાર લોકો સમજતા નથી કે કોંગ્રેસ પક્ષ બંધારણ સભા અને વહીવટી તંત્ર પર મજબૂત પકડ ધરાવનાર વલ્લભભાઈ જ ૧૯પ૦ સુધી દેશના સાચા વડાપ્રધાન હતા. રાજકારણમાં અભ્યાસની બાબતે આપણે બહુ છીછરા લોકો છીએ અને વાસ્તવિકતા સમજવાને બદલે મોભાને મહત્વ આપીએ છીએ.’