ટેકનિકલ વિદ્યાર્થીઓના ઇનોવેટિવ પ્રોજેક્ટને બિઝનેસ આઇડિયા સુધી પહોંચાડી સોસાયટીને ફાયદો કરવો જોઇએ. આ વાત સાલકોન-૨૦૧૨માં ઇડીઆઇના ડાયરેકટર દિનેશ અવસ્થીએ જણાવી. તેમણે આ વિશે વધુ જણાવતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના ઇનોવેટિવ આઇડિયા લાઇબ્રેરીની ફાઇલમાં ધૂળ ખાતા હોય છે, આ આઇડિયા પર ધૂળ ન ચડવા દઇને કોલેજ દ્વારા તેને પેટર્ન કરાવીને ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડવા જોઇએ.
તેમ છતાં પેટર્ન નથી કરાવી
પેટર્ન કરાવવા બાબતે તેમણે ઉદાહરણ સાથે વાત કરતા કહ્યું હતું કે, જયપુર ખાતે રહેતા રામચન્દ્રે જયપુર ફૂટ (અપંગ માટેના પગ) ૩પ ડોલરમાં બનાવે છે, જ્યારે તે જ જયપુર ફૂટ યુએસમાં ૮૦૦ ડોલરમાં સેલ થાય છે. આ જયપુર ફૂટ પહેરીને અપંગ વ્યક્તિ દોડી, ચાલી અને કૂદી શકે છે તેમ છતા રામચંદ્રે તેની પેટર્ન નથી કરાવી.
ટ્રેક પર જામી રોબો રેસ
સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા બે દિવસીય સાલકોન-૧૨ ટેકફેસ્ટમાં મુખ્ય આકર્ષણ રોબો રેસ હતી. પ્રથમ વાર કોઇ કોલેજ દ્વારા ટેક્નિકલ ઇવેન્ટમાં આટલી મોટી રોબો ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું હતું. એફ-૧ રોબોટિક કોમ્પિટિશનમાં રેસર મેનિયા, એફ વન રેસ અને ૨.પ કિમી એફ વન રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રેક પર રોબો દોડાવા માટે રાજ્યની વિવિધ એન્જિનિયરિંગ કોલેજના ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ટ્રેક પર વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા એક્સ્ટ્રા બેટરી અને ચાર્જીગની સગવડ પૂરી પડાઇ હતી. કોલેજ દ્વારા બનાવવામાં આવેલા આ રોબો ટ્રેક લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવશે.આ ફેરમાં જીટીયુના સહયોગથી વિદ્યાર્થીઓ માટે જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ક્રિએટિવિટી બહાર આવશે
સાલ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટયૂટ ચેરમેન ડૉ. રાજેન્દ્ર શાહે જણાવ્યું કે, સાલકોન એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવાનો છે. જ્યારે કોલેજના પ્રિન્સપાલ રૂપેશ વસાણીએ જણાવ્યું કે, આ ઇવેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના ક્રિએટિવ આઇડિયાને બહાર લાવવાનો પ્રયાસ કરાયો છે.
કઇ ઈવેન્ટ યોજાઇ
ડિરેકશન ટૂવડર્સ ઇનોવેશન પર આધારિત આ રાષ્ટ્રીય સ્તરની ટેકફેસ્ટમાં વીચ-હન્ટ, લોગો ડી ઇન્ટેિન્સઓ, વેબ ઓ પ્રપોઝિશન, કોડ કલેશ, ક્રુસેડસ, રે-કોન્સેટો, બોબ ડી કન્સ્ટ્રકટર, સાલ્ટેડ, સ્કેરી, ડ્રાય ગન્સ, રોબો રેમપેજ રેસ, સાયખોગ કોમ્બેટ, ચાણકય ઇવેન્ટસ રાખવામાં આવી હતી.