હાલોલ -કાલોલ બાયપાસ રોડ ઉપર નિષ્ઠા વિદ્યામંદિર સામે આવેલા પેટ્રોલ પંપ ઉપર ત્રાટકેલા ૧પ જેટલા લૂંટારુઓએ બે રાઉન્ડ ફાયરિંગ તથા પથ્થરમારો ચલાવી આતંકનું વાતાવરણ ઊભુ કર્યું હતું. રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં હથિયારોના ખુલ્લા પ્રદર્શન બાદ વોચમેનને બેરહેમીપૂર્વક માર મારી ૧.૪૮ લાખની સનસનાટીભરી લૂંટ ચલાવી જિલ્લા પોલીસના ગાલ ઉપર તમાચો માર્યો હતો.
હાલોલ-કાલોલ બાયપાસ રોડ પર કાલોલના બાબુભાઇ મારવાડીનો દિનેશ પેટ્રોલિંગના નામથી પેટ્રોલ પંપ આવેલો છે. તા.૨ ફેબ્રુઆરીના રાત્રિના પંપ ઉપર એક વોચમેન અને અન્ય પાંચ ફિલરો ઉપસ્થિત હતા.
મળસકે ત્રણ વાગ્યાના સુમાર હોકારો દેકારો કરતાં લૂંટારુઓ પંપની જમણી સાઇડ ઉપર બાંધવામાં આવેલી લોખંડની સુરક્ષા જાળી કાપીને ઓફિસ નજીક આવી પહોંચ્યા હતા. ટોળકીએ વોચમેનને લાકડીઓથી ફટકાર્યો હતો. જ્યારે અન્ય બે લૂંટારુઓ દ્વારા બાર બોરની રાઈફલમાંથી બે રાઉન્ડ ફાયિંરગ ફિલરો સામે કરવામાં આવતાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. જેથી ગભરાઇ ગયેલા ફિલરો પંપની પાછળ છેવાડે આવેલા રસોડામાં સંતાઈ ગયા હતા. લૂંટારુઓ દ્વારા તોડફોડ કરી ઓફિસમાં રાખવામાં આવેલ લોકર તોડી ૧.૪૮ની રોકડની લૂંટ ચલાવી હતી.
લગભગ ૨પ થી ૩૦ મિનિટના સમયગાળામાં ઓફિસના કાચો, ટેબલ- ખુરશીઓની તોડફોડ પછી એક લેપટોપ તથા અન્ય સામાન તેઓ લૂંટીને ફરાર થઇ ગયા હતા. બીજી બાજુ મારની બીકે સંતાઈ ગયેલા ફિલરોએ કાલોલમાં તેમના શેઠને ફોન કરી બનાવથી વાકેફ કર્યા હતા. હાલોલ પોલીસને જાણ કરતાં ડીએસપી સચિન બાદશાહ, ડીવાયએસપી એન.આર.અગ્રવાલ સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.
ડોગ સ્કવોડ કાપેલી જાળીમાંથી બહાર નીકળી પંપની પાછળના ભાગે પહોંચી હાઇવે ઉપર થોભી ગઈ હતી. વોચમેન પ્રતાપ ભાઇ ડોડિયાને છાતી તથા બંને હાથે માર મારતાં ફ્રેકચર જણાતાં હાલોલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થો દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે અરવિંદભાઇએ હાલોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ અધિકારીઓ સીએમના બંદોબસ્તમાં
રાજ્યના મુખ્યમંત્રી દાહોદમાં સદભાવના ઉપવાસમાં હોવાથી હાલોલની મોટાભાગના પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં પહોંચ્યા હતા. તેમજ મોટાભાગના પોલીસ ન હોવાથી તાલુકાની સુરક્ષા માટે માત્ર સાત પોલીસના હવાલે હતી. જેનો ફાયદો લૂંટારુઓએ ઉઠાવ્યો હતો. સદ્દભાવનાના પગલે સ્થાનીક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
લોકર ન ખૂલતાં મોટી રકમ બચી
કાલોલ- હાલોલ બાયપાસ ઉપરના પેટ્રોલ પંપમાં ગત રોજનો વકરો ૧.૪૮ લાખ તથા અન્ય લોકરમાં ૧,૧૨,૨૯૦ મળી રોકડ સિલક ૨,૬૦,૨૯૦ હતી. જોકે વધુ સમય થઇ ગયો હોવાથી તેઓએ અન્ય લોકરને ખોલવાનો પ્રયાસ કર્યો ન હતો. લોકર ન ખૂલતાં મોટી રકમ બચી હતી. પરિણામે લોકર સલામત રહ્યું હતું.
હાલોલમાં ચોર લૂંટારુઓના ભયથી પ્રજામાં ગભરાટ
હાલોલમાં છેલ્લા દસ દિવસથી ચોર- લૂંટારુઓનો ભય અને આતંક વધી ગયો હતો. તાજેતરમાં એક્સાથે પાંચ મકાનોનાં તાળાં તોડ્યા બાદ વૈકુંઠ સોસાયટીમાં ચોરી કરી ચોરો ફરાર થયા હતા. તેમજ બે દિવસ અગાઉ પારેખ ફિળયામાં લાલાભાઈ બેગવાળાને ત્યાં ચોરી કરી હતી. બાદમાં ગત રાત્રિના હાઇવે ઉપર ભય અને આતંક ફેલાવીને સનસનાટીભરી લૂંટ ચલાવી હતી.
કાળાં કપડાં પહેરી લૂંટારુ આવ્યા
કાલોલ -હાલોલ હાઇવે ઉપર સનસનાટીભરી લૂંટ ચલાવનાર લૂંટારુઓ શુદ્ધ ગુજરાતી ભાષા બોલતા હતા. તમામે કાળાં કપડાં પહેર્યાં હતાં. અંદાજે ૧પ જેટલા લૂંટારુઓ દ્વારા પેટ્રોલ પંપ ઉપર આતંક મચાવી ભય ફેલાવી લૂંટ ચલાવી રવાના થઇ ગયા હતા.