પડતર કેસમાં ઝડપથી નિવેડો લાવો: વિજિલન્સ કમિશનરની ટકોર
હવે ખોટી ફરિયાદો કરનાર અરજદારને પણ સજા થાય છે
સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ માટે થ્રી ઇડિયટ્સ તરીકે પંકાયેલા મુખ્ય ત્રણ વિભાગો મહેસૂલ, પંચાયત અને ગૃહ પ્રથમ ત્રણ ક્રમે આવ્યા છે. આ ત્રણેય વિભાગોમાં અનુક્રમે ૧૦૦૫, ૯૭૯ અને ૮૪૧ ફરિયાદો તપાસ એજન્સીને મળી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય વિભાગો સાથે એક વર્ષમાં કુલ ૬૬૪૨ ફરિયાદો મળી છે, જે પૈકી ૮૪૪ ઓફિસરોને સજા ફરમાવવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવેલા વિજિલન્સ કમિશનના ૨૦૦૯ના વર્ષના રિપોર્ટમાં કમિશનર ડૉ.મંજુલા સુબ્રમણ્યમે સરકારના વિભાગોને તાકીદ કરી છે કે એક વર્ષથી જુના સમયના પેન્ડિંગ કેસોનો નિકાલ કરવા શિસ્ત અધિકારીઓએ ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ. સરકારના વિભાગો કે જાહેર સાહસોમાં કોઈ પણ જાહેર સેવક અયોગ્ય હેતુ માટે લાંચ, ભ્રષ્ટાચાર કે ગેરરીતિ આચરી કોઈ કામ કરે તેવું લાગે તો તેની ફરિયાદના આધારે આ કમિશનમાં તપાસ કરી શકાય છે. હવે તો ખોટી ફરિયાદમાં પણ અરજદારને સજા થઈ શકે છે.
અહેવાલના વર્ષ-૨૦૦૯માં કમિશનને સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારની ૭૦૯૩ ફરિયાદો મળી હતી તે પૈકી ૪૪૨ કેસમાં ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે, જ્યારે ૨૨૦૪ અરજીઓ યોગ્ય કાર્યવાહી કરવા વિભાગોને મોકલી દેવામાં આવી છે. વિભાગો ઉપરાંત બોર્ડ-નિગમમાં ૪૩૪ અને અન્ય કચેરીઓમાં ૧૭ અરજીઓ થઈ છે.
૧૪ વર્ષ પછી પણ આરોપી શોધી ન શકાયો
શિક્ષણ વિભાગના અતિ શરમજનક એક કિસ્સામાં ૧૪ વર્ષ પછી પણ ગેરરીતિ કરનાર કર્મચારીને શોધી શકાયો નથી. આ કિસ્સાની વિજિલન્સ કમિશને ગંભીર નોંધ લઈ નારાજગી વ્યક્ત કરી છે. જામનગરની એક શાળામાં૧૯૯૫-’૯૬માં શિક્ષક નિરીક્ષકે તપાસ કરી રેકોર્ડ જપ્ત કરી તિજોરી સીલ કરી દીધી હતી. સંસ્થાએ આ તિજોરીનું સીલ ખોલી તિજોરી અન્ય રૂમમાં શિફ્ટ કરી દીધી દરમિયાન રેકોર્ડ ગુમ થઈ ગયું હતું.
આ બાબતે તપાસ અધિકારીએ તત્કાલીન શિક્ષણાધિકારીએ પોલીસ કેસ કરવાની જગ્યાએ સંસ્થાને ૧૦ ટકા ગ્રાન્ટ કાપની સજા કરી હતી. વિજિલન્સ કમિશને આ કેસમાં શિક્ષણાધિકારીને મોટી સજા કરવાની ભલામણ કરી હતી, પરંતુ વિભાગે કોઈની જવાબદારી નક્કી કરી ન હતી. આ કેસમાં ૧૪ વર્ષ પછી પણ વિભાગ કોઈની જવાબદારી નક્કી કરી શક્યું નથી.