૨૬મી જાન્યુઆરી એ દિવસ છે જ્યારે આપણે સ્વંતત્રતાની ચળવળનાં મુલ્યોને પુન: જીવવાં જોઇએ, જાણવા જોઇએ અને જીવનમાં ઉતારવા જોઇએ. આઝાદી, સમાનતાને સજાગ કરવાં અને પછાત માનસિકતા અને ગરીબીને દૂર કરવાંનાં આદર્શો પર આપણે કામ કરવું જોઇએ. એ સમય પાકી ગયો છે કે અપાણે દેશના યુવાધનની ઉર્જાને નવું આકાશ આપીએ અને તેનું એ રીતે જતન કરીએ કે ૨૦૨૫માં ભારત વિશ્વનાં શ્રેષ્ઠ અને મહાન દેશોમાંનું એક રાષ્ટ્ર બની રહે.’ વાય.કે.અલઘ, નામાંકિત અર્થશાસ્ત્રી, પૂર્વ કેન્દ્રિય ઉર્જા મંત્રી
આ દિવસે અનુભવેલી લાગણી હંમેશા જીવંત રહે
‘સ્વતંત્રતા મળ્યા પછીના નવા ભારતની પહેલી ઓળખાણ એટલે આપણું આગવું બંધારણ જે ૨૬મી જાન્યુઆરીએ ઘડાયું. હું આજે પણ આ દિવસે લોકોને હાથમાં કે વાહનો પર ધ્વજ લઇને જતા જોઉં છું ત્યારે મને ખોવાઇ ગયેલા ઐકયના જુસ્સાનું સ્મરણ થાય છે. પોતીકાપણું જે પહેલાં હતું તે આજે નથી. મને થાય કે આવા એક દિવસની સવારે આપણે સજાગ થઇએ, આપણી અંદર જે મરી પરવાર્યું છે તેને જગાડીએ. હું ઇચ્છું કે આ દિવસે જે લાગણી થાય તે હંમેશા જીવંત રહે.’ મૌલિક પરીખ, કથક એક્સપોનન્ટ
આકાશ આંબવા દે એટલે પ્રજાસત્તાક દિવસ
૨૬મી જાન્યુઆરીનો વિચાર કરું એટલે મને ટાગોરની કવિતાની જાણીતી પંક્તિ યાદ આવે, ‘વ્હેર ધી માઇન્ડ ઇઝ વિધાઉટ ફિઅર, વ્હેર ધી હેડ ઇઝ હેલ્ડ હાઇ’. આ ગર્વથી જ મન ભરાય કારણકે આજે આપણા દેશની સંસ્કૃતિ, કલા, સાહિત્ય, સંગીત દરેક બાબત વૈશ્વિક મંચ પર પહોંચી છે. આ વૈશ્વિક પ્રતિષ્ઠા ત્યારે જ શક્ય બને જ્યારે દરેકને પાંગરવાની મોકળાશ મળી હોય. દરેક માટે સ્વતંત્રતા, સ્વતંત્રતાનું બંધારણ જે ખીલવા છે અને આકાશ આંબવા દે એટલે પ્રજાસત્તાક દિવસ.’ એસ્થર ડેવિડ, લેખિકા-કલ્ચરલ એક્સપર્ટ
સો ટચના સોના જેવી લોકશાહી, હજૂ કોઇ ગ્રહણ લાગ્યુ નથી
આ દિવસ ૧૫મી ઓગસ્ટ જેટલો જ અગત્યનો છે. આપણને સ્વતંત્ર દેશનું પૂરેપૂરું સ્ટેટસ આ દિવસ સાથે મળ્યું. ૨૬મી જાન્યુઆરી મને યાદ અપાવે છે કે આપણો દેશ સો ટચના સોના જેવી લોકશાહી ધરાવે છે. આ આઝાદી પછીનાં છ દાયકાથી વધુના સમયમાં ઘણું ન થવા જેવું પણ થયું છે, છતાં પણ લોકશાહી આપણું હાર્દ છે. સ્વતંત્રતાને કોઇ ગ્રહણ નથી લાગ્યું. વ્યવસાયી જિંદગીમાં પણ આપણે પારદિર્શતા, લોકશાહીના સિદ્ધાંતોને કાયમ યથાવત રાખીએ તે મારી ઇચ્છા છે.’ ડૉ.બકુલ ધોળકિયા, ડિરેક્ટર - અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર મેનેજમેન્ટ
બંધારણ પર માતાએ કરેલા હસ્તાક્ષરની યાદ આવે છે
મારા માતા સ્વતંત્રતાની ચળવળમાં ખૂબ પ્રવૃત્ત હતા, તેઓએ જેલવાસ પણ ભોગવ્યો હતો. સ્વતંત્રતા કે બંધારણની રચના બધું જ અત્યંત મહત્વનું રહ્યું છે. જે દિવસે દેશને બંધારણ મળ્યું તે સંપૂર્ણ સ્વતંત્રતાનો પહેલો શ્વાસ હતો એમ કહી શકાય. મારા માતા તે સમયે પાલૉમેન્ટમાં હતા અને તેમણે એ પહેલું બંધારણ જોયું એટલું જ નહીં તેની પર તેમના હસ્તાક્ષર પણ હતા. આથી વધુ મહત્વનું શું હોઇ શકે? ૨૬મી જાન્યુઆરીનો દિવસ મારે માટે દેશની આઝાદી અને બંધારણ જ નહીં પણ એક પુત્રી તરીકે માતાના યોગદાનની સ્મૃતિ માટે પણ અગત્યનો છે.’ મૃણાલિની સારાભાઇ, નૃત્યગુરુ