અમદાવાદમાં મોટા તહેવારો અને ઇવેન્ટ્સ પર દોડનો ટ્રેન્ડ : દેશ ખરેખર પ્રજાસત્તાક બને તે મુદ્દે જાગૃતિ લાવવા સી.જી. રોડ પર પાંચ કિમીની દોડ
અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં સાબરમતી મેરેથોનને મળેલી સફળતા બાદ હવે કોઇ પણ ઉમદા પ્રવૃત્તિ માટે કે સમાજને કોઇ મેસેજ આપવા માટે દોડના અનોખા ટ્રેન્ડની શરૂઆત થઇ છે. પ્રજાસત્તાક દિન નિમિત્તે અમદાવાદમાં આવી જ એક દોડ યોજાઇ રહી છે. જેમાં દેશ ખરા અર્થમાં પ્રજાસત્તાક બને તે દિશામાં યુવાનોને જાગૃત કરવામાં આવશે. સી.જી. રોડ પર પાંચ કિમીની આ દોડમાં ૯ વર્ષના બાળકથી લઇને ૮૨ વર્ષના વૃદ્ધ પણ ભાગ લઇ રહ્યા છે.
યુવા આઝાદી મૂવમેન્ટના કન્વીનર મનીષ બ્રહ્મભટ્ટે આ વિશે જણાવ્યું હતું કે, દેશને પ્રજાસત્તાક થયાને ૬૦ વર્ષ ઉપર વીતી ગયા છતાં હજુ દેશમાં કેટલીય બાબતો મુદ્દે નાગરિકોને લડવું પડી રહ્યું છે. આવો જ એક મુદ્દો છે ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારનો સીધો સબંધ શોષણ સાથે છે અને શોષણનો નાગરિક હક સાથે. માટે જ અમે બંધારણની ઉજવણીના પર્વ નિિમત્તે રન અગેન્સ્ટ કરપ્શન અને વોક અગેન્સ્ટ કરપ્શનનું આયોજન કર્યું છે.
અમદાવાદના સી.જી. રોડ પર આ દોડ યોજાશે. દોડમાં આશરે ૨૫૦૦ લોકો જોડાશે. સ્ટેડિયમ સર્કલથી પરિમલ ચાર રસ્તા થઇને દોડ સ્ટેડિયમ પરત ફરશે. આ અનોખી દોડમાં ધીરુભાઇ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી, પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, સેપ્ટ યુનિવર્સિટી, સેન્ટ ઝેવિયર્સ કોલેજ, એચ.કે. કોલેજ, અમદાવાદ રનર્સ ગ્રુપ, એરોમા કોલેજના વિદ્યાર્થીઓ, યુવાનો અને સિનિયર સિટિઝન્સ જોડાઇ રહ્યા છે. પુરુષ અને મહિલા કેટેગરીમાં પ્રથમ આવનારને રોકડ પુરસ્કાર અપાશે. સિનિયર સિટીઝન્સ અને અન્ડર-૧૫ કેટેગરીમાં પણ પ્રાઇસ અપાશે.