ઈસુનું ૨૦૧૦નું વર્ષ પૂરું થવાની સાથેસાથે ૨૧મી સદીનો પહેલો દાયકો પણ પૂરો થશે. ૨૦૧૧થી ૨૧મી સદીનો બીજો દાયકો શરૂ થશે. આ દાયકામાં ૨૦૧૦ના વર્ષમાં દેશ અને દુનિયાએ અનેક નવાજુની જોઇ. દરેક ક્ષેત્રમાં ચડતી અને પડતી આવી. વૈશ્વિક મંદીની નાગચૂડમાંથી વિકસીત દેશો બહાર આવ્યા અને ભારત જેવા કહેવાતા વિકાસશીલ દેશો દુનિયાનાં બજારો માટેના ઉત્તમ ગ્રાહક બની ગયા.
આ બધાની સાથે સાથે વડોદરા શહેરમાં ઘણા યાદ રાખવા જેવા બનાવો બન્યા. વડોદરાએ સંસ્થાકીય, વ્યક્તિગત અને સામૂહિક રીતે અનેક સીમાચિહ્ન જેવી સિદ્ધિ મેળવી અને વિક્રમો સ્થાપ્યા. યાદ રાખીને નવા વર્ષે પ્રેરણા લેવાનું મન થાય તેવા કેટલાક પ્રસંગો વીતી રહેલા ૨૦૧૦ને અંજલિરૂપે વાગોળીએ
સેવાસદનની ચૂંટણી: ફરી ભાજપ સત્તા પર
૧૦ - ૨૨ ઓક્ટોબર. વડોદરાના મતદારોને પાંચ વર્ષે ફરી એક વખત કોને શહેરના શાસનની જવાબદારી સોંપવી તેની તક મળી હતી. આ ચૂંટણીમાં વડોદરાવાસીઓએ ૪૩ ટકા મતદાન કર્યું હતું. ચૂંટણીમાં જંગી બહુમતીથી ભાજપના ઉમેદવારો ચૂંટાઇ આવ્યા હતા. ૭૫ બેઠકોમાંથી ૬૧ ભાજપ, ૧૧ કોંગ્રેસ અને ૩ બેઠકો જનતાદળ (યુ)ના ફાળે ગઇ હતી.
દલાઇ લામાની ઐતિહાસિક મુલાકાત
૧૫ જાન્યુઆરી . ચીન જેવી ડ્રેગન સરકારની ખફગી વહોરીને પણ તિબેટના નાગરિકોની સ્વતંત્રતા માટે લડત ચલવાનારા નોબેલ પારિતોષિક વિજેતા દલાઇ લામાએ વડોદરામાં બુદ્ધિઝમના સેમિનારમાં હાજરી આપી હતી. આ મહત્વના પ્રસંગે શહેરમાં તેમની હાજરીની વૈશ્વિક નોંધ લેવામાં આવી અને વડોદરાનું નામ પણ સમાચારોમાં ચમકર્યું હતું.
એશિયાની પ્રથમ સહકારી બેંક અન્યોન્યને તાળાં
૩ સપ્ટેમ્બર. એશિયાની પ્રથમ સહકારી બેંક હોવાનું ગૌરવ ધરાવતી અન્યોન્ય સહકારી બેંકને પણ સરકારી ગોટાળાનું ગ્રહણ આખરે લાગી ગયું. ભારે ખોટ અને બેજવાબદાર વહીવટના કારણે આખેર રિઝર્વ બેંકે આ બેંકનું લાઇસન્સ રદ કરી દીધું. સેંકડો નાના રોકાણકારોની પરસેવાની મૂડી ફસાઇ ગઇ હતી.
ભારત-ન્યૂઝીલેન્ડ મેચ: ભારત વિજય
૦૪ ડિસેમ્બર .વડોદરાના આઇપીસીએલ સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજી વન ડે મેચ રમાઇ અને વડોદરાની મેચ જીતવાની સાથે સાથે ભારતે આખી વન ડે સિરીઝ જીતી ઈતિહાસ સર્જ્યો હતો. વડોદરાનો પનોતો પુત્ર યુસુફ પઠાણ આ મેચમાં હોમપિચ પર રમતો હોવાથી ઉત્તેજના વધુ હતી. જો કે યુસુફને બેટિંગ કરવાનો મોકો જ મળ્યો ન હતો.
ગરમીએ ૫૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો
૧૯ મે . ગ્લોબલ વોર્મગિને વોર્નિગ નહિ ગણવાના ગેરફાયદા આખું વિશ્વ ભોગવી રહ્યું છે. વડોદરા પણ એમાંથી બાકાત નથી. ચાલુ વર્ષે મે મહિનામાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી. ૪૫ ડિગ્રીથી પણ વધુ તાપમાન પર પારો એકથી વધુ દિવસ સુધી અટકી જતાં સંખ્યાબંધ લોકો સનસ્ટ્રોકની બીમારીનો ભોગ બનતાં તેમની ઘણી કફોડી બની હતી.
૧.૧૩ કરોડની કાર વડોદરામાં
૨૩ માર્ચ. વડોદરાના ઉદ્યોગપતિ અને મા શક્તિ ગરબા આયોજક જયેશ ઠક્કરે વિક્રમી કિંમતે જર્મન કંપની પોર્સેની કાયન્ મોડેલની રૂ.૧.૧૩ કરોડની કાર ખરીદી હતી. વડોદરામાં અધ્યતન સુવિધાઓ ધરાવતી આ કાર અત્યાર સુધીમાં આવેલી સૌથી મોંઘી કાર બની હતી.
વડસર બ્રિજનો પ્રારંભ
૨૫ માર્ચ.ટ્રાફિક જામના નિવારણ માટે શહેરની ચારે તરફ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઇ ગઇ છે. આ કામગીરીની મેરેથોનમાં સૌથી પહેલો નિર્માણ પામેલો વડસર ઓવરબ્રિજ માર્ચ મહિનામાં ખુલ્લો મૂકાયો હતો. આ બ્રિજના પગલે ટ્રાફિક જામની સમસ્યા હળવી બનવાની અપેક્ષા વર્ષાતે પણ સુધી પૂરી થઇ ન હતી.
ચિરાયુ અમીન આઇપીએલના કમિશનર
૨૭ એપ્રિલ. ભારે માછલાં ધોવાયા પછી બદનામી વેઠીને આઇપીએલના કમિશનર તરીકે લલિત મોદીની હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમના સ્થાને વડોદરાના ઉદ્યોગપતિ અને બીસીએના ચેરમેન ચિરાયુ અમીનની નિમણુંક કરવામાં આવી હતી. વડોદરા માટે આ ભારે ગૌરવ અને જવાબદારીની ઘટના હતી.
રાત્રિબજાર શરૂ કરવાની પહેલ
૧૪ ઓગસ્ટ. રાત્રે ભૂખ લાગે તો શું કરવું. પોલીસ દાદાનો દંડૂકો તો રાતના ૧૦ વાગતાંમાં ચાલુ દુકાનો બંધ કરાવીને બાર વગાડી દે છે. આવા સમયે મેયર અને સાંસદ બનેલા બાળુ શુક્લે નગરજનોની લાગણીને માન આપી શહેરમાં રાત્રિ બજાર શરૂ કરવાની પહેલ કરી હતી.
આ માટે શહેરના વુડા સર્કલ પાસે જગ્યા ફાળવવામાં આવી હતી અને તેનું ખાતમૂહરત કરી દેવાયું હતું. જો કે ખાતમુહૂર્ત બાદ વર્ષ પુરું થવા છતાં હજુ સુધી રાત્રિ બજાર શરૂ થઇ શક્યું નથી.
પહેલી વખત વડોદરા આકાશવાણી બંધ રહ્યું!
૨૩ નવેમ્બર. આ આકાશવાણીનું વડોદરા કેન્દ્ર છે... તા.૨૧મી નવેમ્બરે આ વાક્ય સાંભળવા મળ્યું ન હતું. ઐતિહાસિક રીતે ઓડિયો માધ્યમથી સતત લોકસંપર્કમાં રહેતા શહેરના આકાશવાણી કેન્દ્રમાં રાષ્ટ્રવ્યાપી હડતાળના કારણે પ્રસારણ બંધ રહ્યું હતું.
વાર્ષિક ઉપલબ્ધિ
મ.સ.યુનિ.માં ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમના શ્રીગણેશ
૮ એપ્રિલ . થ્રી ઇડિયટ્સ ફિલ્મનો પ્રભાવ ગણો કે શિક્ષણશાસ્ત્રીએ સુધારા કરવાની ઇચ્છા ગણો પણ મહારાજા સયાજીરાવ યુનિ.માં માર્કસને બદલે ચોઇસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમ લાગુ કરવામાં આવી. સુધારાના કારણે વિદ્યાર્થીઓ પરથી અભ્યાસનું ભારણ ઘટશે તેવા શિક્ષાવિદોના મંતવ્ય છતાં વિદ્યાર્થીઓમાં તેના વિશે મતમતાંતર પ્રવર્તી રહ્યાં છે.
દેશની પ્રથમ મહિલા તસવીરકાર વ્યારાવાલાને રાષ્ટ્રીય પુરસ્કાર
૨૭ જુલાઇ. આઝાદી કાળના ગાળામાં મહિલા ફોટો જનૉલિસ્ટ તરીકેની ખ્યાતિ મેળવનાર લિજેન્ડ બની ચૂકેલાં અને હાલ વૃદ્ધત્વના આરે વડોદરામાં રહેતાં હોમાઇ વ્યારાવાલાની રાષ્ટ્રિય પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી હતી. તેમને આ પુરસ્કાર મળતાં તેમની કામગીરીની સાથે સાથે વડોદરાનું નામ પણ રોશન થયું હતું.
વડોદરાના સાંસદનું કાર્યાલય આઇએસઓ પ્રમાણિત
૫ ઓક્ટોબર.વડોદરાની ગણતા વિકસિત શહેર તરીકે થાય છે. વડોદરાના સાંસદ બાળકૃષ્ણ શુક્લનું કાર્યાલય ઓનલાઇન ફરિયાદો અને નિવારણ સહિતની સુવિધા સાથે સજ્જ બનતાં તેને આઇએસઓ સર્ટિફિકેટ મળ્યું હતું. કોઇ લોકપ્રતિનિધિને આ સર્ટિફિકેટ મળ્યું હોય તેવો આ પ્રથમ બનાવ હતો.
૩.૩૩ લાખના ખર્ચે વાહનનો નંબર લીધો
૧૬ ડિસેમ્બર.વડોદરાના એક વેપારીએ તેની કાર માટે પસંદગીનો નંબર લેવા માટે રૂ.૩.૩૩ લાખની વિક્રમી બોલી બોલી રેકોર્ડ સજર્યાે હતો. નવી સિરઝિ શરૂ થવાની સાથે જ આરટીઓ વિભાગે ૧૪ લાખથી વધુની કમાણી પહેલા જ દિવસે કરી લીધી હતી.
વિકાસની નંબર ગેઇમ
૧૬૮ કરોડ રૂપિયાનો મિલકતવેરાનો ટાર્ગેટ સેવાસદન દ્વારા રાખવામાં આવ્યો હતો.
૧૩૫ કરોડ રૂપિયા સેવાસદન દ્વારા મિલકતવેરા પેટે વસૂલવામાં આવ્યા હતા.
૨૫ કરોડ રૂપિયાનો વ્યવસાય વેરાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો.
૧૭.૭૬ કરોડ રૂપિયાની વ્યવસાય વેરા પેટે વસૂલાત કરવામાં આવી હતી.
નાસામાં અભિષેકની કમાલ
૫ જાન્યુઆરી . નાસા જેવી અમેરિકાની જ નહિ પણ વિશ્વની પ્રતિષ્ઠિત અવકાસ સંશોધન સંસ્થા દ્વારા ઓન લાઇન લેવાતી પરીક્ષામાં વડોદરાના અભિષેક નામના યુવકે મેદાન માર્યું. તેણે વિશ્વના તમામ ઓન લાઇન સ્પર્ધકોને પછાડીને પ્રથમ સ્થાન હાંસલ કરી વડોદરાનું નામ રોશન કર્યું હતું.
સુરસાગર : બોટિંગ શરૂ
૩ ફેબ્રુઆરી . વડોદરાના સુરસાગરમાં બનેલી ગોઝારી બોટ દુર્ઘટનામાં સંખ્યાબંધ લોકોએ જીવ ગુમાવ્યા બાદ ૧૨ વર્ષનાં વહાણાં વીત્યા બાદ આખરે બોટિંગ ચાલુ થયું. જોકે પ્રથમ ગ્રાસે જ મક્ષિકાની જેમ આમંત્રણ પત્રિકા વિવાદ અને પહેલા જ દિવસે કાઉન્સિલરો પાણીમાં ખાબકતાં ફારસ થયું હતું.
રેલવેનાં ૧૫૦ વર્ષ
૮ જાન્યુઆરી . બોમ્બે બરોડા રેલવેના નામથી શરૂ થયેલી ગાયકવાડ રાજ્યના શાસન કાળથી ચાલતી ભારતીય રેલવેના વડોદરા ડિવિઝનનો આ વર્ષે ૧૫૦ વર્ષમાં પ્રવેશ થયો. હેરીટેજ સાઇટ વિકસાવવી, એશિયાના સૌથી મોટા નેરોગેજ રેલવે સ્ટેશન ધરાવતા ડભોઇ ખાતે હેરિટેજ પ્રદર્શન યોજાયું હતું.