ગોધરાના સાતપુલ વિસ્તારમાં સામાજિક સંસ્થાઓ દ્વાર ન્યાયની ખોજ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમાં ઉપસ્થિત અગ્રણીઓએ નરેન્દ્ર મોદીના શાસન સામે શાબ્દીક પ્રહારો કર્યા હતા. તાજેતરમાં ગોધરા ખાતે યોજાયેલા મુકયમંત્રીના સદભાવના કાર્યક્રમના વિરોધમાં વિવિધ સામાજિક સંગઠન દ્વારા સાતપુલ વિસ્તારમાં સમાંતર કાર્યક્રમ યોજવા તંત્ર પાસે મંજુરી માંગી હતી પરંતુ મંજુરી નહી મળતા કાર્યક્રમ મોકુફ રખાયો હતો.
આજે અનહદ સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા ન્યાયની ખોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમાં મનીષા ત્રિવેદી, હીરાભાઇ નાયક, કિશોરભાઇ ભોઇ, નૂરજહા દિવાન, શબનમ હાશમી, વકાર કાઝી, લક્ષ્મી પરમારે પ્રવચન આપ્યા હતા. નરેન્દ્ર મોદી કોમવાદ ચલાવે છે તેઓને આગામી સમયમાં સંપૂર્ણ પણે જાકારો આપવો જ રહ્યો તેમ કહ્યું હતુ.
રાજુભાઇ સોલંકી સહિતના અન્ય વકતાઓએ જણાવ્યુ હતુ કે, સીએમ માંથી હવે નરેન્દ્ર મોદીને પીએમ બનવુ છે. જેથી ગોધરાકાંડના દસ વર્ષ બાદ હવે સદભાવના યાદ આવી છે. પરંતુ તેઓનાં આ જૂઠાણામાં ન ખેંચાઇ સૌ કોઇએ સાથે મળી અવાજ ઉઠાવવો જ રહ્યો. ન્યાયની ખોજમાં નેજા હેઠળ આશરે ૨૦ જેટલી સામાજિક સંસ્થાઓ અને સંગઠનો ગુજરાતના આદિવાસી, દલિત, મુસ્લિમ, માલધારી તેમજ માનવ અધિકારોના મુદ્દા લઇને થતા અન્યાયો વિશે અવાજ ઉઠાવવા એક મંચ ઉપર આવી રહ્યા છે. ગોધરાનાં સાતપુલ વિસ્તારમાં યોજાયેલ આ કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.